ધોધમાર વરસી રહેલા વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા કર્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 8.6 ઇંચ વરસાદ પડ્યો. જ્યારે ધાનેરા તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સરકારના હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
છેલ્લાં 24 કલાક દરમિયાન બનાસકાંઠાના વડગામ તાલુકામાં સૌથી વધુ 8.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો
— DD News Gujarati (@DDNewsGujarati) July 3, 2025
આજે સવારે 6 થી 10 કલાક સુધીમાં બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ જ્યારે સાબરકાંઠાના ઇડર તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો#gujaratrain #weather #vadgam pic.twitter.com/2elpK730Hm
બનાસકાંઠાના વડગામમાં 8.60 ઇંચ, દાંતીવાડામાં 6 ઇંચ અને સાબરકાંઠાના ઇડરમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ઉપરાંત હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં 41-61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે બનાસકાંઠાના પાલનપુર, દાંતીવાડા, વડગામ, ડીસા અને ધાનેરા સહિતના તાલુકાઓની પ્રાથમિક શાળાઓ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે ૩ જુલાઈએ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યાં છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં રેડ એલર્ટ, કચ્છ, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વલસાડ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના દ્વારકા, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, જામનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલી ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ વગેરે જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.