Thursday, April 24, 2025
More

    વક્ફ એક્ટને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ, કાયદા વિરુદ્ધ કપિલ સિબ્બલે શરૂ કરી દલીલો 

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લાગુ કરેલા વક્ફ (સંશોધન) કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પહોંચી ગયા બાદ હવે સુનાવણી પણ શરૂ થઈ ગઈ છે. બુધવારે (16 એપ્રિલ) મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે મામલાની સુનાવણી હાથ ધરી હતી. 

    નોંધવું જોઈએ કે કોંગ્રેસની સરકારો દરમિયાન વક્ફ બોર્ડને આપવામાં આવેલી અમાપ અને અનિયંત્રિત શક્તિઓ પર નિયંત્રણ લાદવા માટે મોદી સરકારે વક્ફ કાયદામાં સંશોધન કર્યું છે. બિલ સંસદનાં બંને ગૃહમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ અને કાયદાનું સ્વરૂપ મળ્યા બાદ કાયદો લાગુ પણ થઈ ગયો. પરંતુ જેમ દર વખતે થાય છે એમ આ વખતે પણ મામલો ન્યાયતંત્ર પાસે પહોંચી ગયો છે. 

    આ મામલે કોંગ્રેસ, એઆઈએમઆઈએમ, આરજેડીથી માંડીને અનેક રાજકીય પક્ષો અને અમુક સંગઠનો કોર્ટ પહોંચ્યાં છે અને ન્યાયિક હસ્તક્ષેપની માંગ કરી છે. 

    પ્રથમ સુનાવણીમાં CJI ખન્નાએ કહ્યું કે, તેઓ આ તબક્કે માત્ર બે જ પ્રશ્નો પર વિચારણા કરી રહ્યા છે. પહેલો– શું આ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવી જોઈએ કે હાઇકોર્ટ પાસે કેસ મોકલવો જોઈએ. બીજો– કયા મુદ્દાઓ પર અરજદારો દલીલો કરવા માંગે છે. 

    ત્યારબાદ કોર્ટમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે કાયદાના વિરોધમાં દલીલો શરૂ કરી હતી.