કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે હાથરસની MP/MLA કોર્ટમાં એક માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી એ યુવક છે, જે 2020ના બહુચર્ચિત કથિત ગેંગરેપ અને હત્યા કેસનો આરોપી હતો. જોકે, પછીથી કોર્ટે ઠેરવ્યું હતું કે રેપ થયો ન હતો અને એકને બિનઇરાદાપૂર્વકની હત્યાનો દોષી ઠેરવીને બાકીના તમામને મુક્ત કર્યા હતા. મુક્ત થનાર આરોપીઓમાં એક એ યુવક પણ હતો, જેણે હવે રાહુલ ગાંધી સામે કેસ દાખલ કરાવ્યો છે.
યુવક રામ કુમારે રાહુલ ગાંધી વિરુદ્ધ હાથરસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની એમપી/એમએલએ કોર્ટ સમક્ષ ભારતીય ન્યાય સંહિતાની કલમ 356(2) હેઠળ ફરિયાદ કરી છે. કોર્ટે સુનાવણીની આગામી તારીખ 10 ફેબ્રુઆરી નક્કી કરી છે.
કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ રામ કુમારે વકીલ મારફતે રાહુલ ગાંધીને નોટિસ મોકલી હતી અને તેમની ઉપર રાજકીય લાભ મેળવવા માટે બદનક્ષી કરવાનો આરોપ લગાવ્યો હતો. ડિસેમ્બર, 2024માં આ નોટિસ મોકલીને ₹50 લાખ વળતર પેટે માંગવામાં આવ્યા હતા.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, રાહુલ ગાંધી એક જવાબદાર સાંસદ છે અને વિપક્ષના નેતાનું પદ પણ સંભાળે છે. છતાં તેમણે ચુકાદો આવ્યા પછી પણ સોશિયલ મીડિયા પર અમુક એવી ટિપ્પણી કરી હતી જેના કારણે અરજદારના ચરિત્ર પર ડાઘ લાગ્યો છે.
વાસ્તવમાં રાહુલ ગાંધીએ ડિસેમ્બર, 2023માં હાથરસની મૃતકાના પરિજનો સાથે મુલાકાત કરીને એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, રેપ પીડિતાના પરિવારને ઘરમાં બંધ રાખવો અને ગેંગરેપના આરોપીઓને ખુલ્લેઆમ ફરવા દેવા, એ બાબા સાહેબના બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે.
હાથરસ કેસની વાત કરવામાં આવે તો કોર્ટે ઠેરવ્યું હતું કે મૃતક મહિલા સાથે કોઈ બળાત્કાર થયો ન હતો અને ચારમાંથી ત્રણ આરોપીઓને નિર્દોષ મુક્ત કર્યા હતા. એક આરોપી સંદીપને બિનઇરાદાપૂર્વકની હત્યા મામલે દોષી ઠેરવવામાં આવ્યો હતો. જેણે હાઇકોર્ટમાં અપીલ કરી છે.