તાજેતરમાં જ ઇઝરાયેલની સેનાએ લેબનાનની રાજધાની બૈરુતમાં એરસ્ટ્રાઈક કરીને આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના પ્રમુખ હસન નસરલ્લાહને ઠેકાણે પાડી દીધો. હવે જાણકારી મળી રહી છે કે મૃત્યુના થોડા સમય પહેલાં જ તે ઇઝરાયેલ સાથે સમાધાન કરવા તૈયાર થઈ ગયો હતો.
આ દાવો લેબનાનના વિદેશ મંત્રી અબ્દુલ્લાહ હબીબે કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, તેમણે યુદ્ધવિરામ માટે અમેરિકા અને ફ્રાન્સના પ્રતિનિધિઓને પણ જાણ કરી દીધી હતી.
CNN સાથેની વાતચીતમાં લેબનાનના નેતાએ કહ્યું કે, “તેઓ તૈયાર થઈ ગયા હતા અને લેબનાને હિઝબુલ્લાહ સાથે ચર્ચા કર્યા બાદ યુદ્ધવિરામ અંગે અમેરિકા અને ફ્રાન્સના અધિકારીઓને પણ જાણ કરી દીધી હતી.” તેમનું માનીએ તો ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ યુદ્ધવિરામ માટે તૈયારી દર્શાવી હતી.
જોકે, હકીકત એ પણ છે કે હિઝબુલ્લાહ પર એરસ્ટ્રાઈક કરવાનો આદેશ વડાપ્રધાન નેતન્યાહુએ જ આપ્યો હતો. તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધવા માટે ન્યૂયોર્કમાં હતા. અહીં સંબોધનની થોડી જ ક્ષણો પહેલાં તેમણે ઇઝરાયેલી સેનાને લેબનાન પર હુમલો કરવા માટે આદેશ આપ્યા હતા. આ જ હુમલામાં પછીથી નસરલ્લાહ માર્યો ગયો હતો.