Monday, March 17, 2025
More

    એક્ઝિટ પોલ્સ: હરિયાણામાં કોંગ્રેસને બહુમત મળવાનું અનુમાન, કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા

    હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ્સ આવવાના શરૂ થયા છે. હરિયાણા સાથે જ યોજાયેલી કાશ્મીર ચૂંટણીના પણ પોલ્સ સામે આવી રહ્યા છે.

    એક્ઝિટ પોલ્સમાંથી મોટાભાગના પોલ હરિયાણામાં કાશ્મીરની જીતનું અનુમાન લગાવી રહ્યા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન જીતશે તેવું એજન્સીઓનું અનુમાન છે. 

    હરિયાણા 

    હરિયાણામાં મોટાભાગના પોલ્સ કોંગ્રેસની જીત જોઈ રહ્યા છે. ઇન્ડિયા ટુડે-સી વોટર અનુસાર, કોંગ્રેસને 90માંથી 50થી 58 બેઠકો મળશે. જ્યારે ભાજપના ફાળે 20થી 28 બેઠકો જઈ શકે. બહુમતી માટે 46 બેઠકોની જરૂર રહે છે. 

    રિપબ્લિકના પોલ અનુસાર, કોંગ્રેસ 55થી 62 તો ભાજપ 18થી 24 બેઠકો મેળવી શકે. જ્યારે રિપબ્લિક-પી માર્કના પોલ અનુસાર, કોંગ્રેસને 51-61 અને ભાજપને 27-35 બેઠકો મળશે.

    ભાસ્કરે કોંગ્રેસને 44થી 54 અને ભાજપને 19-29 બેઠકો મળશે તેવું અનુમાન લગાવ્યું છે. ટાઈમ્સ નાઉ અનુસાર, ભાજપને 22થી 32 તો કોંગ્રેસને 5૦થી 64 બેઠકો મળી શકે. ન્યૂઝ24ના પોલમાં પણ કોંગ્રેસની 55થી 62 તો ભાજપની 18થી 24 બેઠકોનું અનુમાન લગાવાયું છે. 

    તમામ પોલ્સમાં JJPને 2થી 8 સુધી બેઠકો મળશે તેવું અનુમાન છે. બાકીની 10-12 બેઠકો અન્યોના ફાળે જઈ શકે. 

    જમ્મુ-કાશ્મીર 

    કાશ્મીરમાં પણ 90 બેઠકો પર મતદાન થયું હતું. અહીં પણ સરકાર બનાવવા માટે 46 બેઠકો જરૂરી છે. 

    ઇન્ડિયા ટુડે-સી વોટર અનુસાર, અહીં NC-કોંગ્રેસ ગઠબંધન 40થી 48 બેઠકો મેળવી શકે. જ્યારે ભાજપને 27થી 32 બેઠકો મળવાનું અનુમાન છે. મહેબૂબા મુફ્તીની PDPને 6થી 12 બેઠકો મળવાનું અનુમાન છે. 

    રિપબ્લિક-ગુલિસ્તાં ન્યૂઝના સરવેમાં જોકે કાશ્મીરમાં કોઈને બહુમતી મળતી દર્શાવવામાં આવી નથી. આ પોલ અનુસાર, NC ગઠબંધન 28થી 36 અને ભાજપને 28થી 30 બેઠકો મળી શકે. PDPને 5-7 બેઠકો મળવાનું અનુમાન છે. 

    પીપલ્સ પલ્સના પોલ અનુસાર, NC-કોંગ્રેસને 46થી 50 જ્યારે ભાજપને 23થી 27 બેઠકો મળી શકે. દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર ગઠબંધન 35થી 40 જ્યારે ભાજપ 20થી 25 બેઠકો જીતી શકે તેમ છે. એક્સિસ માય ઇન્ડિયા અનુસાર, ભાજપને 24-34 જ્યારે ગઠબંધનને 35થી 45 બેઠકો મળી શકે. 

    ટૂંકમાં, એક્ઝિટ પોલ્સ જોઈએ તો હરિયાણામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળશે તેવું મોટાભાગના પોલ જણાવી રહ્યા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં NC-કોંગ્રેસ ગઠબંધનની નજીક છે, પરંતુ ત્રિશંકુ વિધાનસભાની સ્થિત પણ નકારી શકાય નહીં. 

    હરિયાણામાં એક તબક્કામાં શનિવારે (5 ઑક્ટોબર) ચૂંટણી યોજાઈ, જ્યારે કાશ્મીરમાં ત્રણ તબક્કામાં સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં ચૂંટણી થઈ હતી. આ એક્ઝિટ પોલ્સ છે, જે અનુમાનો છે. સ્પષ્ટ ચિત્ર 8 ઑક્ટોબરના રોજ જાણવા મળશે.