જૂનાગઢમાં પ્રથમ મહિલા આરોપી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 5 ગુનામાં સંડોવાયેલ હંસા સોલંકી નામની મહિલા વિરુદ્ધ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એક આરોપી નસરુદ્દીન ઉર્ફે નસરા દાદા વિરુદ્ધ પણ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હંસા સોલંકી જૂનાગઢના ‘દલિત આગેવાન’ રાજુ સોલંકીની પત્ની છે. એ જ રાજુ સોલંકી જેના પર થોડા સમય પહેલાં જ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
નોંધવા જેવું છે કે, રાજુ સોલંકી, તેનો પુત્ર અને ભાઈ પણ હાલ ગુજસીટોકના ગુનામાં જેલબંધ છે. ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા પર રાજુ સોલંકીના પુત્રને માર માર્યાનો આરોપ લાગ્યા બાદ રાજુ સોલંકી ચર્ચામાં આવ્યો હતો. દરમિયાન તેણે ‘રફીક’ બનીને ધર્મ પરિવર્તન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે, ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખીને જૂનાગઢમાં તેના અને તેના પુત્ર વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ બંને બાપ-દીકરો જેલમાં છે.
સાથે એ પણ ઉલ્લેખવા જેવું છે કે, રાજુ સોલંકી અને તેનો પુત્ર અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હતા. તેમના પર હત્યાના પ્રયાસ, પોલીસ પર હુમલા જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાય હતા. જ્યારે હવે તેની પત્ની પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતી હોવાથી તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે.