Wednesday, June 18, 2025
More

    પંજાબ: અમૃતસરના મંદિર પર હેન્ડ ગ્રેનેડ ફેંકાયો, પોલીસને પાકિસ્તાન લિંકની આશંકા, તપાસ શરૂ

    પંજાબના અમૃતસરના એક હિંદુ મંદિર પર હેન્ડ ગ્રેનેડ ફેંકવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સદભાગ્યે ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. 

    ઘટના અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં આવેલા ઠાકુરદ્વારા મંદિરની છે. CCTV ફૂટેજમાં જોવા મળે છે કે એક મોટરસાયકલ પર બે ઇસમો આવે છે અને મંદિરમાં હેન્ડ ગ્રેનેડ ફેંકી જાય છે. ત્યારબાદ થોડી જ ક્ષણોમાં બ્લાસ્ટ થાય છે. બંને ત્યાંથી ભાગી જાય છે. 

    બ્લાસ્ટ થયો તે સમયે પૂજારી અને તેમનો પરિવાર ઉપરના માળે હતા, પરંતુ કોઈને ઈજા ન થઈ. વિસ્ફોટના કારણે મંદિરની દીવાલને નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ, ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવતાં એક ટીમ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી હતી. 

    અમૃતસર પોલીસને ઘટનામાં પાકિસ્તાન લિન્કની આશંકા છે. શહેર પોલીસ કમિશનર ગુરપ્રીત ભુલ્લરે જણાવ્યું કે, “મૂળ વાત એ છે કે પાકિસ્તાનની ISI સમય-સમય પર આપણા યુવાનોને લાલચ આપીને આવાં ખોટાં કામો કરાવવાના પ્રયાસ કરતી રહે છે, જેથી અહીં અશાંતિનો માહોલ રહે. પરંતુ પંજાબ પોલીસ આ દિશામાં અસરકારક કામ કરી રહી છે. ભૂતકાળમાં આવા કેસો આવ્યા છે ત્યારે અમે તાત્કાલિક પગલાં લીધાં છે, આમાં પણ ત્વરિત કાર્યવાહી કરીશું. હું યુવાનોને પણ કહેવા માંગું છું કે આવી બાબતોમાં જીવન બરબાદ ન કરો.”