ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી પર હુમલો કરનાર ઇસમ હાદી મતારને અમેરિકાની કોર્ટે 25 વર્ષની જેલની સજા ફટકારી છે.
ઑગસ્ટ 2022માં ન્યૂ યોર્કમાં એક કાર્યક્રમમાં બનેલી ઘટનામાં ગુનેગાર જેલમાં બંધ હતો. ફેબ્રુઆરી 2025માં કોર્ટે તેને હત્યાના પ્રયાસ અને હુમલાની કલમો હેઠળ દોષી ઠેરવ્યો હતો. હવે તેને સજા સંભળાવવામાં આવી.
કોર્ટે હાદી મતારને રશ્દી પર હત્યાના ઇરાદે હુમલો કરવા બદલ 25 વર્ષની અને સ્ટેજ પર અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચાડવા બદલ 7 વર્ષની સજા ફટકારી. બંને સજા સાથે કાપવામાં આવશે, કારણ કે બંને ગુના એક જ સમયે એક જ સ્થળે બન્યા હતા.
ટ્રાયલ દરમિયાન સલમાન રશ્દી મુખ્ય સાક્ષી રહ્યા. તેમણે આ હુમલામાં એક આંખ ગુમાવવી પડી હતી. જોકે ક્યારેય ટ્રાયલમાં રૂબરૂ હાજર રહ્યા ન હતા, પણ પોતાનું નિવેદન નોંધાવી દીધું હતું. મતારે પણ સજાની સુનાવણી પહેલાં કોર્ટને સંબોધી હતી, જેમાં તેણે રશ્દી પર જાતજાતના આરોપો લગાવ્યા અને ‘ફ્રીડમ ઑફ સ્પીચ’ની વાતો કરવા માંડ્યો હતો.
સલમાન રશ્દી ભારત મૂળના લેખક છે. વિશ્વભરમાં વંચાય છે. જોકે ઇસ્લામ પ્રત્યેના તેમના વિચારો અને લેખનના કારણે દુનિયાભરના કટ્ટરપંથી મુસ્લિમો તેમની પાછળ પડ્યા હતા. તેમના પુસ્તક ‘ધ સેટાનિક વર્સિસ’ પર ભારતમાં રાજીવ ગાંધી સરકારે પ્રતિબંધ મૂકવાની ઘોષણા કરી હતી, પરંતુ તાજેતરમાં ધ્યાને આવ્યું કે આવો કોઈ પરિપત્ર જ થયો નથી. ઈરાનના સુપ્રીમ લીડરે રશ્દી પર ઈનામ પણ ઘોષિત કર્યું હતું, પણ પછીથી ફતવો પરત ખેંચી લીધો હતો.
વર્ષો બાદ તેઓ જ્યારે ઑગસ્ટ 2022માં ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં સંબોધન કરવા માટે પહોંચ્યા તો એક મુસ્લિમ યુવકે આવીને ગળાના ભાગે છરી મારી દીધી હતી. આ કેસમાં આખરે ગુનેગારને સજા મળી છે.