કથિત કૉમેડિયન કુણાલ કામરાએ કૉમેડીના નામે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેને ટાર્ગેટ કર્યા બાદ શિવસેના કાર્યકરોએ શો જ્યાં આયોજિત થયો હતો એ મુંબઈના ‘હેબિટેટ સ્ટુડિયો’માં જઈને તોડફોડ મચાવી હતી. આ ઘટના બાદ હેબિટેટ દ્વારા સ્ટુડિયો કામચલાઉ ધોરણે બંધ કરી દેવાનું એલાન કરવામાં આવ્યું. પરંતુ હવે આ જ સ્ટુડિયોના માલિકની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં તેણે કંગનાની ઑફિસ પર ઉદ્ધવ સરકારનું બુલડોઝર ફર્યું ત્યારે મજાક ઉડાવી હતી.
બલરાજ ઘાઈ નામનો આ ઇસમ હેબિટેટનો માલિક છે. 12 ઑક્ટોબર, 2020ના રોજ તેણે પોતાના X અકાઉન્ટ પરથી એક પોસ્ટ કરી હતી, જે હવે વાયરલ થઈ રહી છે.
"Ukhaad diya"
— Ballu (@balrajghai) October 12, 2020
વાસ્તવમાં જ્યારે ઑક્ટોબર, 2020માં કંગનાના ઘરનું ડિમોલિશન કરવામાં આવ્યું ત્યારે ‘કૉમેડિયન ‘કુણાલ કામરાએ તેમની મજાક ઉડાડતી એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટના જવાબમાં બલરાજ ઘાઈએ લખ્યું હતું, ‘ઉખાડ દિયા.’
ઉલ્લેખનીય છે કે કંગનાના ઘર પર કાર્યવાહી બાદ શિવસેનાના મુખપત્ર ‘સામના’માં આ જ હેડલાઇન લખવામાં આવી હતી- ‘ઉખાડ દિયા.’
કંગનાના ઘરનું ડિમોલિશન થયું ત્યારે ઊછળકૂદ કરતો બલરાજ હવે રેલો આવ્યો તો ઇન્સ્ટાગ્રામ પર લાંબી-લાંબી પોસ્ટ લખીને સહાનુભૂતિ ઉઘરાવવા મથી રહ્યો છે. બીજી તરફ લોકો તેને જૂની પોસ્ટ યાદ કરાવીને કહી રહ્યા છે કે કર્મ કોઈને છોડતું નથી.