Monday, February 24, 2025
More

    જ્ઞાનેશ કુમાર બન્યા નવા ચીફ ઇલેક્શન કમિશનર: PM મોદીની અધ્યક્ષતામાં બેઠકમાં લેવાયો નિર્ણય

    મુખ્ય ચૂંટણી કમિશ્નર (Chief Election Commissioner) રાજીવ કુમારની નિવૃત્તિ બાદ જ્ઞાનેશ કુમારને (Gyanesh Kumar) મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્ઞાનેશ કુમાર ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે. બીજી તરફ જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા બાદ ચૂંટણી કમિશ્નરનું પદ ખાલી પડતાં વિવેક જોશીને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવશે.

    નોંધનીય છે કે વર્તમાન CEC રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે 17 ફેબ્રુઆરીની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીની ચૂંટણી સમિતિની બેઠક બાદ તરત જ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકનો આદેશ આવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2023માં અમલમાં આવેલા મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર અધિનિયમ, 2023 હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનરની આ પ્રથમ નિમણૂક છે. જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે અને રાજીવ કુમારની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની પેનલમાં બે અન્ય કમિશનરો કરતાં વરિષ્ઠ છે.

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો કાર્યકાળ ખૂબ મહત્વપૂર્ણ રહેવાનો છે કે કારણ કે તેમના જ કાર્યકાળ દરમિયાન 2027માં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. આ સિવાય બિહાર, કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ગોવા, પંજાબ, યુપી, ઉત્તરાખંડ, મણિપુર, કર્ણાટક, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની આગામી વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આ ઉપરાંત, ઘણા રાજ્યોમાં રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીઓ પણ યોજાશે.