પાકિસ્તાનના (Pakistan) બલૂચિસ્તાનમાં (Balochistan) 7 પાકિસ્તાની પંજાબીઓની (Pakistani Punjabis) હત્યા (Murder) થઈ હોવાનું સામે આવ્યું છે. મંગળવારે (18 ફેબ્રુઆરી) મોડી રાત્રે બલૂચિસ્તાન વિસ્તારમાં બંદૂકધારીઓએ સાત પંજાબી યાત્રિકોની ગોળીઓ ધરબીને હત્યા કરી છે. પાકિસ્તાનના સરકારી અધિકારી સઆદત હુસૈને જણાવ્યું છે કે, હુમલાખોરોએ બસમાં ચડ્યા પહેલાં ટાયર પંચર કરી દીધું હતું અને યાત્રિકો પાસેથી ઓળખ કાર્ડ માંગ્યા હતા.
તેમણે વધુમાં કહ્યું કે, જે લોકોની ઓળખ પાકિસ્તાની પંજાબી તરીકે થઈ, તેમને બળજબરીથી બસમાંથી ઉતારી દેવાયા અને લાઈનમાં ઊભા રાખીને ગોળીઓ મારી દેવાઈ. સરકારી અધિકારી વકાર ખુર્શીદ આલમે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે, તમામ સાત લોકો મધ્ય પંજાબ વિસ્તારના હતા.
નોંધનીય છે કે, અફઘાનિસ્તાન અને ઈરાનની સરહદ પર આવેલા બલૂચિસ્તાનમાં સુરક્ષાદળો અને સ્થાનિક લડાકાઓ વચ્ચે અવારનવાર ઘર્ષણ થતું રહે છે. બલૂચિસ્તાનના લોકો પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે અને BLAના (બલૂચિસ્તાન લિબરેશન આર્મી) લડાકાઓ પાકિસ્તાનમાં પણ અવારનવાર હુમલા કરતા રહ્યા છે.