Saturday, March 15, 2025
More

    સમય સાથે અદ્યતન થઇ રહી છે ગુજરાત પોલીસ: ડ્રોન ફૂટેજની મદદથી કરી મંદિરમાં ચોરી કરનાર અપરાધીની ધરપકડ

    વર્તમાન સમયમાં અપરાધ કરવા માટે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ગુજરાત પોલીસ (Gujarat Police) પણ અપરાધીઓને પકડવા માટે ટેક્નોલોજીનો (Technology) ઉપયોગ કરી રહી છે. આવી જ એક ઘટના દાહોદથી સામે આવી હતી જ્યાં ચોરને પકડવા ડ્રોન કેમેરાનો (Drone) ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    દાહોદમાં મંદિરોમાં ચોરી કરતા ચોરને (Temple Thieves) પકડવા માટે અદ્યતન કેમેરાવાળા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ ઘણા સમયથી આ આરોપીને શોધી રહી હતી. ત્યારે પોલીસને તેના છુપા સ્થાનની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ચોરને પકડવા ગઈ હતી.

    આ દરમિયાન ચોર ભાગવા લાગ્યો હતો જેને પકડવા ડ્રોનની મદદ લેવામાં આવી હતી. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે ચોર પોલીસથી ભાગીને ખેતરોમાં જઈ રહ્યો હતો ત્યારે ડ્રોનના કેમેરાની મદદથી ચોરનો પીછો કરવામાં આવ્યો, તથા આસપાસનો વિસ્તાર કોર્ડન કરીને ચોરને ભાગતો રોકીને ઝડપી લેવામાં આવ્યો હતો.

    આ સમગ્ર ઘટનાનો વિડીયો ગુજરાતના DGPએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, “ગુજરાત પોલીસ ટેક્નોલોજી આધારિત પોલીસિંગના વિચાર સાથે જોડાયેલ છે. દાહોદ પોલીસે ડ્રોનના લાઈવ ફૂટેજની મદદથી મંદિરમાં ચોરીના આરોપીની ધરપકડ કરી એ તેનું એક મોટું ઉદાહરણ છે. શાબાશ દાહોદ પોલીસ.”