Tuesday, April 22, 2025
More

    અમેરિકામાં ગુજરાતી બાપ-દીકરીની હત્યા, દારૂની શોધમાં ફરતા માથાફરેલે દુકાન બંધ જોઈને ગોળી મારી

    અમેરિકાના વર્જિનિયામાં મૂળ ગુજરાતી વ્યક્તિ અને તેમની 24 વર્ષીય પુત્રીની હત્યા કરી નાખવામાં આવી છે. આ મામલે પોલીસે એકની ધરપકડ કરી છે. 

    ઘટના શુક્રવારે (21 માર્ચ) બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રદીપભાઈ પટેલ અને તેમની પુત્રી ઊર્મિ એકોમેક કાઉન્ટીના લેન્કફોર્ડ હાઇવે ઉપર એક કન્વિનિયન્સ સ્ટોર ચલાવે છે. શુક્રવારે સવારે 5:30 વાગ્યે તેઓ સ્ટોર ખોલી રહ્યા હતા ત્યારે એક આફ્રિકન-અમેરિકન ઇસમ ત્યાં આવી ચડ્યો અને માથાકૂટ કરવા માંડ્યો. 

    અમેરિકન એજન્સીઓએ હજુ સુધી સત્તાવાર જાણકારી આપી નથી પરંતુ ભારતમાં સ્થિત મૃતકોના પરિજનોનું કહેવું છે કે આરોપી ઇસમ આખી રાત દારૂની શોધમાં હતો. પરંતુ સ્ટોર બંધ હતો. જ્યારે બાપ-દીકરી ત્યાં પહોંચ્યાં તો તે સ્ટોર કેમ બંધ છે કહીને માથાકૂટ કરવા માંડ્યો અને ત્યારબાદ બંદૂક લઈને ગોળી મારી દીધી. 

    ગોળીબારમાં બે ગોળીઓ પ્રદીપને અને એક ઊર્મિને વાગી હતી. પ્રદીપ પટેલનું સ્થળ પર જ મૃત્યુ થયું તો ઊર્મિને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ બચાવી ન શકાઈ. બીજી તરફ પોલીસે 44 વર્ષીય જ્યોર્જ ફ્રેઝિયર ડેવોન વ્હાર્ટન નામના આરોપીની ધરપકડ કરીને જેલભેગો કરી દીધો છે.