પ્રયાગરાજ મહાકુંભ જવા માંગતા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે વિશેષ બસ સેવાઓ શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં અમદાવાદથી આ સેવા શરૂ કરવામાં આવ્યા બાદ પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો અને ગણતરીના દિવસોમાં જ 26 ફેબ્રુઆરી સુધીની ટિકિટ બુક થઈ ગઈ હતી. હવે સરકારે અન્ય શહેરોમાંથી પણ બસ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે.
પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ આ બાબતે જાણકારી આપતાં કહ્યું કે 4 ફેબ્રુઆરીથી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટથી નવી 5 બસ શરૂ કરવામાં આવશે. જેમાં સુરતથી 2 અને બાકીનાં શહેરોમાંથી એક-એક બસ ઉપડશે.
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના માર્ગદર્શન માં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) February 2, 2025
•તા: ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ… pic.twitter.com/WbCG3wx309
સુરત અને રાજકોટથી શરૂ થતી બસને પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા મધ્ય પ્રદેશ સરહદે કરવામાં આવશે. જ્યારે અમદાવાદ અને વડોદરાથી જે બસ ઉપડે તે પ્રથમ અને ત્રીજી રાત્રે શિવપુરી (મધ્ય પ્રદેશ) રોકાણ કરશે.
સરકારે જણાવ્યું છે કે, શરૂ થતી તમામ બસ માટે પ્રયાગરાજ ખાતે રહેવાની વ્યવસ્થા યાત્રિકોએ પોતાની રીતે કરવી પડશે.
પેકેજની વાત કરવામાં આવે તો એ આ પ્રમાણે છે. (ભાવ પ્રતિ વ્યક્તિ પ્રમાણે)
અમદાવાદથી- ₹7800
સુરતથી- ₹8300
વડોદરાથી- ₹8200
રાજકોટથી- ₹8800
તમામનું ઓનલાઇન બુકિંગ 2 ફેબ્રુઆરી સાંજે પાંચ કલાકે એસટી નિગમની વેબસાઈટ પરથી શરૂ કરવામાં આવશે.