તાજેતરમાં થયેલા વિવાદ બાદ કૉમેડિયન સમય રૈનાના ગુજરાતમાં થનાર ત્રણ શો રદ કરી દેવામાં આવ્યા છે. એપ્રિલમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં રૈના ત્રણ શો કરવા જઈ રહ્યો હતો, પરંતુ વિવાદને પગલે આયોજન પર બ્રેક મારી દેવામાં આવી છે.
હાલ સમય અમેરિકામાં શો કરી રહ્યો છે. ફેબ્રુઆરી અને માર્ચમાં આ શો પૂર્ણ થયા બાદ એપ્રિલ મહિનામાં તે ગુજરાત આવવા જઈ રહ્યો હતો અને 17, 18, 19 અને 20 એપ્રિલના રોજ અનુક્રમે વડોદરા, અમદાવાદ (2 શો) અને સુરતમાં તેના શો આયોજિત કરવામાં આવ્યા હતા. જે માટે બુકિંગ પણ શરૂ થઈ ગયું હતું અને ટિકિટો પણ વેચાઈ ગઈ હતી.
પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ શો રદ કરી દેવામાં આવ્યા છે. 90 મિનિટના આ શોનું શીર્ષક છે- ‘સમય રૈના અનફિલ્ટર્ડ’. બુક માય શો દ્વારા શો હટાવી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સમય રૈનાના જ એક જાણીતા શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. વાસ્તવમાં આ શોની અમુક ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં જજ તરીકે આવેલા રણવીર અલાહાબાદિયાએ અતિશય વાહિયાત ટિપ્પણીઓ કરી દીધી હતી. પછીથી આ મામલે મુંબઈમાં કેસ પણ નોંધાયો. મુંબઈ પોલીસ સાથી જજોની પૂછપરછ કરી ચૂકી છે અને સમયને સમન્સ મોકલવામાં આવ્યું છે.

બીજી તરફ, કૉમેડિયને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જાહેરાત કરી છે કે તેણે પોતાની યુટ્યુબ ચેનલ પરથી તેના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ના તમામ વિડિયો હટાવી દીધા છે. તેણે લખ્યું કે, મારો ઉદ્દેશ્ય માત્ર લોકોને હસાવવા માટેનો હતો. મેં લેટન્ટના તમામ વિડીયો ચેનલ પરથી હટાવી દીધા છે. એજન્સીઓને તેમની તપાસ પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી હું તમામ રીતે પૂરેપૂરો સહયોગ કરીશ, તેમ પણ તેણે જણાવ્યું હતું.