Wednesday, March 26, 2025
More

    રાજકોટ GST ફ્રોડ કેસમાં હાઇકોર્ટે ફગાવી મહેશ લાંગાની જામીન અરજી, જેલમાં જ રહેશે ‘ધ હિન્દુ’નો ‘પત્રકાર’

    રાજકોટમાં નોંધાયેલા GST ફ્રોડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ‘પત્રકાર’ મહેશ લાંગાની જામીન અરજી ફગાવી દીધી છે, જેથી તેણે હજુ જેલમાં જ રહેવું પડશે. સેશન્સ કોર્ટે જામીન ફગાવ્યા બાદ લાંગાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેની ઉપર સુનાવણી બાદ 30 જાન્યુઆરીના રોજ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. ગુરુવારે (6 ફેબ્રુઆરી) કોર્ટે આદેશ આપતાં અરજી ફગાવી દીધી. 

    ચુકાદામાં કોર્ટે સરકારી વકીલની એ દલીલો ધ્યાને લીધી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આરોપી સામે અન્ય ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે. નોંધવું જોઈએ કે મહેશ લાંગા સામે છેતરપિંડી, GST ફ્રોડ, સરકારી દસ્તાવેજોની ચોરી વગેરે જેવા ગુનાઓમાં અનેક FIR થઈ ચૂકી છે. 

    કોર્ટે નોંધ્યું કે, મહેશ લાંગાને GST ફ્રોડના અમદાવાદના કેસમાં હાઇકોર્ટે જામીન આપ્યા હતા, પરંતુ તેમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી ચૂકી છે અને સાડા ચારેક મહિના તે જેલમાં પસાર કરી ચૂક્યો હતો. પરંતુ રાજકોટના કેસમાં હજુ તપાસ ચાલી રહી છે, જેથી આ તબક્કે કોઈ રાહત આપી શકાય તેમ નથી. આમ કહીને કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. 

    અરજીમાં લાંગાને પોતે પત્રકાર હોઈ રાજકીય પ્રતિશોધની ભાવનાથી ટાર્ગેટ કરવામાં આવી હોવાની પણ દલીલો કરી હતી, પરંતુ કામ ન આવી. હાલ તે જેલમાં જ રહેશે. ઑપઇન્ડિયા પાસે આદેશની નકલ ઉપલબ્ધ છે.