Friday, April 11, 2025
More

    પુત્રની હત્યા કરીને ટુકડા કરનાર પિતાને ગુજરાત હાઇકોર્ટે આપ્યા જામીન, કહ્યું- કૃત્ય ગુનાહિત માનસિકતા નહીં પણ હતાશાના કારણે થયું હોવું જોઈએ

    ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) તાજેતરમાં એક વ્યક્તિને નિયમિત જામીન આપ્યા હતા જેના પર પુત્રની હત્યા કરીને તેના શરીરના ટુકડા પોલિથીનમાં પેક કરવાનો આરોપ છે. કોર્ટે જામીન આપતા નોંધ્યું હતું કે આરોપી પિતા જુલાઈ 2022થી કસ્ટડીમાં છે અને કથિત કૃત્ય પ્રથમ દ્રષ્ટિએ ગુનાહિત માનસિકતા નહીં પણ ‘હતાશાના કારણે’ થયું હોય એમ લાગે છે.

    કોર્ટે એ બાબતનું અવલોકન કર્યું હતું કે આરોપીનો મૃતક પુત્ર ડ્રગ્સ અને દારૂ સહિત અનેક દુર્ગુણોનો શિકાર બન્યો હતો, બેરોજગાર હતો અને પિતા પાસેથી પૈસા માંગતો હતો. કોર્ટે પાડોશીઓનાં નિવેદનોની પણ નોંધ લીધી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે પિતા-પુત્રના અવારનવાર ઝઘડાઓ થતા રહેતા હતા.

    કોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં કોર્ટ સમક્ષ ‘અસાધારણ અને અભૂતપૂર્વ સંજોગો’ ઉભા થયા હતા. પ્રથમ દ્રષ્ટિએ પિતાએ પોતાની નિર્દયતાથી હત્યા કરી જ્યારે રોકોર્ડ પરની સામગ્રી જોયા પછી બીજી દ્રષ્ટિએ વિચારવાની ફરજ પડી હતી.

    આ મામલે ન્યાયાધીશ એમ.આર. મેંગડેએ સુનાવણી કરી હતી. તેમણે આદેશમાં જણાવ્યું હતું કે, “…હાલના અરજદાર તરફથી કરાયેલું કૃત્ય પ્રથમ દ્રષ્ટિએ નિરાશાના કારણે આચરવામાં આવેલું કૃત્ય જણાય છે. અરજદાર 64 વર્ષનો છે અને જુલાઈ 2022થી કસ્ટડીમાં છે.”

    કોર્ટે આગળ કહ્યું કે, “આ કૃત્ય અરજદારની ગુનાહિત માનસિકતાનું પરિણામ હોય તેવું લાગતું નથી. આ પાસાં તેમજ કેસનાં તથ્યો અને સંજોગોને ધ્યાનમાં લેતાં અરજી પર વિચાર કરી શકાય એમ છે.”

    કોર્ટે આગળ ત્રણ પરિબળો જણાવ્યાં હતા જેના કારણે જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. આ પરિબળોમાં શું પ્રથમ દ્રષ્ટિએ મામલો બને છે કે કેમ?, સુનાવણીમાં અરજદારની ઉપલબ્ધતા અને સાક્ષીઓ સાથે છેડછાડનું જોખમનો સમાવેશ થાય છે.