ગુજરાત હાઇકોર્ટે એક વ્યક્તિને ₹2 લાખનો દંડ ફટકાર્યો છે. કારણ એ છે કે કોર્ટની વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન આ ઇસમ વૉશરૂમમાંથી જોડાયો હતો. કોર્ટે આ કૃત્ય સામે સખત વાંચો લીધો અને દંડ ફટકાર્યો. એટલું જ નહીં તેને બે અઠવાડિયાં સુધી હાઇકોર્ટ પરિસરના બગીચાની સફાઈ કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટે કહ્યું કે, “આ કિસ્સામાં, આવાં લાજમર્યાદા વગરનાં કૃત્યો ન માત્ર અસ્વીકાર્ય છે પરંતુ શરમજનક પણ છે. તેની સાથે કડકાઈથી કામ લેવાની જરૂર છે, કારણ કે જો કોર્ટ આવી વ્યક્તિ સામે કડક વલણ ન દાખવે તો સામાન્ય જનતાની આંખમાં સંસ્થાની ગરિમાને ઠેસ પહોંચશે.”
બન્યું હતું એવું કે ગત 17 ફેબ્રુઆરીના રોજ એક કેસની સુનાવણી દરમિયાન એક પક્ષકારનો પુત્ર ધવલ કનુભાઈ પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી કોર્ટની કાર્યવાહીમાં જોડાયો હતો. પરંતુ ક્યાંથી? વૉશરૂમમાંથી. ત્યારબાદ આ મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યો અને સોલા પોલીસને આ વ્યક્તિની ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું.
તપાસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે 17 ફેબ્રુઆરીના રોજ કોર્ટની સુનાવણી દરમિયાન ‘કનુભાઈ’ નામથી એક વ્યક્તિ જોડાઈ હતી, પરંતુ અયોગ્ય રીતે વર્તતાં સેશનમાંથી રિમૂવ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમણે ફરીથી જોડાવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ વૉશરૂમમાંથી જોડાઈ રહ્યા હતા એટલે ફરીથી કાઢી નાખવામાં આવ્યા. ત્યારબાદ એ જ વ્યક્તિ બીજા કેસ નંબરની મદદથી જોડાઈ હતી.
કોર્ટે ત્યારબાદ 27 ફેબ્રુઆરીના રોજ એક આદેશ પસાર કરીને 5 માર્ચના રોજ બાપ-દીકરા બંનેને હાજર થવા માટે જણાવ્યું હતું. બંને હાજર થયા ત્યારે તેમના વકીલે કોર્ટની માફી માંગી હતી અને કહ્યું હતું કે પહેલી વખત હાઇકોર્ટની વેબસાઈટનો ઉપયોગ કરવાના કારણે આમ થયું હતું અને બિનઇરાદાપૂર્વક થયેલી ભૂલ છે.
જોકે કોર્ટે આ દલીલો ગ્રાહ્ય ન રાખી અને કહ્યું કે વ્યક્તિ બીએસસીની ડિગ્રી ધરાવે છે અને નોકરી પણ કરે છે. જેથી એ બાબત માનવામાં આવતી નથી કે તેમને ઝૂમ એપ્લિકેશનના ઉપયોગ વિશે ખબર ન હોય. કોર્ટે ત્યારબાદ ₹2 લાખનો દંડ ફટકાર્યો. જેની ભરપાઈ બે અઠવાડિયાંમાં કરવાની રહેશે. રજિસ્ટ્રીને જણાવવામાં આવ્યું કે તેમાંથી ₹50,000 પાલડી સ્થિત શિશુગૃહમાં આપવામાં આવે અને બાકીની રકમ ગુજરાત હાઇકોર્ટમાં જમા કરાવવામાં આવે.
આ સિવાય કોર્ટે ધવલને 2 અઠવાડિયાં સુધી ગુજરાત હાઇકોર્ટ પરિસરના ગાર્ડનની સાફસફાઈ કરવાનું પણ કામ સોંપ્યું છે. આ માટે એક અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે, જેમણે બરાબર કામ થયું છે કે નહીં તે કોર્ટને જણાવવાનું રહેશે.