Thursday, July 10, 2025
More

    જે રેને જોશીલ્ડાએ લીધી અમદાવાદ પ્લેન ક્રેશની જવાબદારી… જેને ક્રાઇમ બ્રાન્ચે ચેન્નઈથી પકડી… હવે તેના મેઈલ આઇડી પરથી મળી ગુજરાત હાઇકોર્ટને ઉડાવી દેવાની ધમકી

    ગુજરાત સહિત દેશના 11 રાજ્યોને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાના ધમકી ભરેલા મેઈલ મોકલનાર રેને જોશીલ્ડા (Rene Joshilda) નામની યુવતીની ગુજરાત પોલીસે (Gujarat Police) ચેન્નાઈથી (Chennai) ધરપકડ કરી હતી. જોકે, યુવતીની ધરપકડ થયા બાદ ફરી તેના જ નામથી ગુજરાત હાઇકોર્ટને (Gujarat high court) ઉડાવી દેવાની ધમકી ભરેલો મેઈલ મળતા પોલીસ દોડતી થઇ હતી.

    આજે (24 જૂન)ના રોજ અલગ-અલગ મેઈલથી ગુજરાત હાઇકોર્ટ સહિત રાજકોટ કોર્ટ અને વડોદરાની (Vadodara) એક સ્કુલને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ગુજરાત હાઇકોર્ટને ઉડાવી દેવાની ધમકી વાળા મેઈલમાં યુવતી રેને જોશીલ્ડાના નામનો ઉપયોગ થયો હતો. ધમકી મળ્યા બાદ પોલીસ અધિકારીઓએ ગુજરાત હાઇકોર્ટ પહોંચી, બોમ્બ-સ્કવોડ અને ડોગ-સ્કોવડ સાથે તપાસ આદરી હતી. ધમકી ભરેલો મેઈલ ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટર્ડ મેઈલ પર આવ્યો હતો. નોંધનીય છે કે તે બાદ રાજકોટ કોર્ટને પણ આવી જ ધમકી મળી હતી.

    પોલીસને શંકા છે કે, અન્ય કોઈ અજાણ્યા વ્યક્તિઓએ યુવતીના નામનો ઉપયોગ કરેલો હોવો જોઈએ. હાલ પુરતું યુવતીનું હાઇકોર્ટના ધમકી ભરેલા મેઈલ સાથે કોઈ કનેક્શન દેખાતું નથી. પોલીસ તપાસમાં મળેલો મેઈલ દક્ષિણ ભારતની પેટર્નનો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વડોદરામાં પણ એક રિફાઈનરી CBSC સ્કુલને ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ મામલે વડોદરા પોલીસે પણ બોમ્બ સ્કવોડ સહિતની ટીમો સાથે ઘટનાસ્થળની તપાસ આદરી હતી.

    ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ પકડાયેલી રેને જોશીલ્ડાએ તેના પ્રેમીના અન્ય યુવતી સાથે લગ્ન થઈ જતાં આખા દેશમાં બૉમ્બ બ્લાસ્ટ કરવાની વિવિધ ધમકીઓ આપી હતી. આ ઉપરાંત અમદાવાદ પ્લેન ક્રેશની (Ahmedabad Plane Crash) જવાબદારી પણ લીધી હતી.