Tuesday, June 24, 2025
More

    ગુજરાત હાઇકોર્ટને મળી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી: HCની મેઇલ આઈડી પર આવ્યો સંદિગ્ધ મેસેજ, તપાસ શરૂ, કોર્ટના તમામ ગેટ કરાયા બંધ

    દેશમાં વારંવાર વિવિધ સ્થળોને ઉડાવી દેવાની ધમકીઓ મળતી હોય છે. ત્યારે હવે તાજેતરમાં સામે આવેલ માહિતી અનુસાર, અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટને (Gujarat High Court) બૉમ્બથી ઉડાવી દેવાની (Bomb Blast Threat) ધમકી મળી છે. આ માહિતી મળતા જ તંત્ર એલર્ટ મોડ પર છે.

    અહેવાલ અનુસાર, પોલીસને હાઇકોર્ટના મેલ આઈડી પર સંદિગ્ધ ઇમેલ મળ્યો હોવાની માહિતી મળી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી. માહિતી મળતાની સાથે જ તંત્ર એલર્ટ થઈ ગયું હતું. હાઇકોર્ટના તમામ ગેટ તરત જ બંધ કરી દેવામાં આવ્યા છે અને સ્થળ પર બૉમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડને તાત્કાલિક તપાસ માટે બોલાવાયા છે.

    આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસદળ પણ હાઇકોર્ટ ખાતે પહોંચી ગયા હતા. હાલના સમયમાં ઉચ્ચ સ્તરની ચેકિંગ ચાલુ છે અને દરેક વ્યક્તિ તથા વાહનોની કડક રીતે ચકાસણી કરવામાં આવી રહી છે. ગેટ નંબર-5 હાઇકોર્ટ સ્ટાફ પ્રવેશનો ગેટ બંધ કરવામાં આવ્યો છે.

    આ ઉપરાંત કોર્ટમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઝોન 1 ઈનચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે હાઇકોર્ટના ઇમેલ પર બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેને લઈને તપાસ કરવામાં આવી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઇમેઈલ કરનારની પણ તપાસ કરવામાં આવી રહી છે.