Tuesday, March 11, 2025
More

    મહાકુંભ માટે પ્રયાગરાજ જતા શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકાર દરરોજ દોડાવશે વોલ્વો બસ, 27 જાન્યુઆરીથી શુભારંભ: ભાડાંથી લઈને પેકેજની અન્ય વિગતો જાણો

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાપર્વ મહાકુંભ ચાલી રહ્યો છે અને વિશ્વના કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર આસ્થાની ડૂબકી લગાવી ધન્ય થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર તરફથી એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે મહાકુંભ જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ GSRTC બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. ‘ચલો કુંભ ચલે’ની ટેગલાઈન સાથે આ નવતર યાત્રાનો શુભારંભ કરવામાં આવશે.

    સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ યાત્રા 4 દિવસ અને 3 રાત્રિની રહેશે. ગુજરાતથી દરરોજ એક એસી વોલ્વો બસ મારફતે ભક્તોને પ્રયાગરાજ લઈ જવામાં આવશે. 1400 કિલોમીટર લાંબી આ યાત્રા વચ્ચે શિવપુર ખાતે એક રાત્રિનું રોકાણ કરવામાં આવશે. સરકાર દ્વારા કરવામાં આવેલી આ ખાસ વ્યવસ્થામાં યાત્રીઓના રહેવાની તમામ સુવિધા કરવામાં આવી છે.

    આ મામલે માહિતી આપતાં ગૃહ રાજ્યમંત્રી અને પરિવહન વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ X પોસ્ટમાં જણાવ્યું હતું કે, “પવિત્ર મહાકુંભ માટે કરોડો લોકો આસ્થાની ડૂબકી મારવા પ્રયાગરાજ જાય છે. પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત ટુરિઝમ અને GSRTC દ્વારા એસી વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવી છે.”

    હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર આ યાત્રાનું યાત્રી દીઠ ભાડું ₹8100 હશે. આ સેવાનો 27 જાન્યુઆરી, 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શુભારંભ કરાવવામાં આવશે. હાલ અમદાવાદથી દરરોજ એક વોલ્વો બસ પ્રયાગરાજ ખાતે ચલાવવામાં આવશે, બાદમાં તેની સંખ્યા વધારવામાં આવશે. નોંધવું જોઈએ કે વર્તમાન સમયમાં મહાકુંભને લઈને ફ્લાઈટ્સ તેમજ ખાનગી વાહનોનાં ભાડાં બેથી ત્રણ ગણાં વધી ગયાં છે, ત્યારે ગુજરાત પર્યટન વિભાગ અને GSTRCની આ પહેલ યાત્રીઓ માટે સહુલિયત ઉભી કરશે.