સ્ટેચ્યુ ઑફ યુનિટી (Statue of Unity) પરિસરમાં રજવાડાંના મ્યુઝિયમના (Royal Museum) નિર્માણકાર્ય માટે ફરી એક વખત ટેન્ડર મંગાવવાની તૈયારી ચાલી રહી છે. આ પહેલાં સપ્ટેમ્બરમાં ટેન્ડર ઇસ્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ પહેલા રાઉન્ડમાં ધારેલી સફળતા ન મળતાં હવે ફરીથી બિડ મંગાવવામાં આવશે.
‘ઈન્ડિયન એક્સપ્રેસ’ના એક રિપોર્ટમાં આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમ વિભાગના ડાયરેક્ટર પંકજ શર્માને ટાંકીને આ વાત જણાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, સપ્ટેમ્બરમાં મ્યુઝિયમના સિવિલ વર્ક માટે ટેન્ડર મંગાવવામાં આવ્યાં હતાં, જેથી 31 ઑક્ટોબરની વડાપ્રધાન મોદીની મુલાકાત સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરીને તેમના હસ્તે ખાતમુહૂર્ત કરી શકાય. પરંતુ પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે આ પ્રોજેક્ટને શિલાન્યાસ-લોકાર્પણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. હવે ફરીથી ટેન્ડર મંગાવવામાં આવી રહ્યાં છે.
આ મ્યુઝિયમ બનાવવાની ઘોષણા વર્ષ 2022માં કરવામાં આવી હતી અને તે માટે સ્ટેચ્યુ કોમ્પલેસથી 800 મીટર દૂર જમીન પણ ફાળવી દેવામાં આવી છે. જોકે, નિર્માણકાર્ય હજુ સુધી શરૂ થઈ શક્યું નથી. મ્યુઝિયમમાં ભારતના નિર્માણમાં રજવાડાં આપી દેનાર 562 રજાઓનાં રજવાડાંના ઇતિહાસને દર્શાવવામાં આવશે.