ગુજરાત ATSએ કચ્છ બોર્ડર પરથી જાસૂસીની શંકામાં એક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સહદેવસિંહ ગોહિલની ધરપકડ કરી છે. એક PSIને આ વિશેની માહિતી મળી હતી કે, BSF અને નેવીની માહિતી આરોપી પાકિસ્તાન મોકલી રહ્યો હતો. બાદમાં ગુજરાત ATSએ સ્પેશ્યલ ટીમ બનાવીને કાર્યવાહી શરૂ કરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. 1 મેના રોજ તેને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યો હતો.
ગુજરાત ATS અનુસાર, અદિતી ભારદ્વાજ નામ સાથે એક છોકરી આરોપી સહદેવસિંહ ગોહિલના સંપર્કમાં આવી હતી. જે પાકિસ્તાની એજન્ટ હતી. તેણે આરોપી સાથે વાતચીત શરૂ કરી હતી અને BSF તથા નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી માંગી હતી. બાદમાં આરોપીએ આ સ્થળોના વિડીયો બનાવીને તેને મોકલ્યા પણ હતા.
વધુમાં આરોપ છે કે, આરોપીને આ માટે 40 હજાર રોકડ આપવામાં આવ્યા હતા. હાલ આરોપીના ફોનને FSLમાં મોકલાયો છે. જૂન-જુલાઈ 2023થી આરોપી પાકિસ્તાનની એજન્ટના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. તે વોટ્સએપના માધ્યમથી ફોટા અને વિડીયો મોકલતો હતો. પાકિસ્તાની એજન્ટ પાસે આવા સંવેદનશીલ લોકોના કોન્ટેક્ટ હોય છે, જેમાં તેઓ સંપર્ક કરે છે અને કેટલાક લોકોને ટ્રેપમાં ફસાવે છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ કેટલાક વિડીયો ડિલીટ કરી દીધા હતા, તેને હવે પરત મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.