Tuesday, March 18, 2025
More

    ભોપાલમાંથી પકડાયું ₹1814 કરોડનું ડ્રગ્સ, ગુજરાત ATS અને NCBનું સંયુક્ત ઑપરેશન

    ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે (ATS) નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો સાથે મળીને ભોપાલમાં મોટું ઑપરેશન પાર પાડ્યું હતું. જેમાં ₹1814 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. 

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રવિવારે (6 ઑક્ટોબર) આ જાણકારી આપી. 

    X પર પોસ્ટ કરીને તેમણે લખ્યું કે, “તાજેતરમાં જ ભોપાલમાં ATS અને NCBએ દરોડા પાડીને એક ફેક્ટરીમાંથી MD અને તેને બનાવવા માટેની સામગ્રી મળીને કુલ ₹1814નું ડ્રગ્સ જપ્ત કરી લીધું.”

    તેમણે કહ્યું કે, આ ઉપલબ્ધિ દર્શાવે છે કે કઈ રીતે આપણી સુરક્ષા એજન્સીઓ ડ્રગ્સ ટ્રાફિકિંગને નાથવા માટે અથાગ મહેનત કરી રહી છે. તેમના આ પ્રયાસ સમાજની સુરક્ષા અને સામૂહિક સ્વાસ્થ્ય માટે ખૂબ આવશ્યક છે તેમ પણ તેમણે ઉમેર્યું. 

    ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, “આપણી એજન્સીઓનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. તેમના મિશનમાં તેમને સહકાર આપીએ અને ભારતને સુરક્ષિત અને સ્વસ્થ દેશ બનાવીએ.”

    ઉલ્લેખનીય છે એ ગુજરાત પોલીસ અને અન્ય એજન્સીઓ સતત ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે અને આવાં મોટાં નેટવર્ક પકડીને તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. તાજી કાર્યવાહી આ જ સંદર્ભે કરવામાં આવી હતી.