Tuesday, April 8, 2025
More

    ભાજપ નેતાના ઘરે થયેલ ગ્રેનેડ અટેકના તાર જોડાયા પાકિસ્તાની ISI સાથે: શહેઝાદ ભટ્ટી મુખ્ય કાવતરાખોર, 2ની ધરપકડ

    7 એપ્રિલની મોડી રાત્રે પંજાબના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મનોરંજન કાલિયાના (Manoranjan Kalia) ઘરે ગ્રેનેડ એટેક (Grenade Attack) થયો હતો. આ મામલે પાકિસ્તાન ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સમર્થિત આતંકવાદી મોડ્યુલનો હાથ હોવાની શંકા છે.

    ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ કેસ 12 કલાકમાં ઉકેલાઈ ગયો હતો અને તેને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના હેતુથી એક ‘મોટું કાવતરું’ ગણાવ્યું હતું.

    આ સિવાય પ્રેસ કોન્ફરન્સમાં અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) અર્પિત શુક્લાએ જણાવ્યું હતું કે ઝીશાન અખ્તર અને પાકિસ્તાન સ્થિત શહેઝાદ ભટ્ટી આ હુમલા પાછળના મુખ્ય કાવતરાખોર છે.

    તેમણે કહ્યું કે પોલીસ પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથેના તેમના સંબંધોની તપાસ કરી રહી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, “આ કેસ એક રીતે ઉકેલાઈ ગયો છે. અમે કેન્દ્રીય એજન્સીઓ સાથે સંપર્કમાં છીએ અને દરોડા ચાલુ છે. નિવારક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.”

    આ સિવાય અધિકારીઓ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના (BKI) હરવિંદર સિંઘ ઉર્ફે રિંડા અને ગેંગસ્ટર હેપ્પી પાસિયા સાથેના સંભવિત સંબંધોની પણ તપાસ કરી રહ્યા છે.