Tuesday, April 8, 2025
More

    પંજાબના પૂર્વ મંત્રી અને ભાજપ નેતાના જલંધર સ્થિત ઘર પર થયો ગ્રેનેડ એટેક!: ખાલિસ્તાન-પાકિસ્તાની લિંકની શંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ

    7 એપ્રિલની મોદી રાત્રે પંજાબના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મનોરંજન કાલિયાના (Manoranjan Kalia) જલંધર (Jalandhar) સ્થિત ઘરમાં વિસ્ફોટ (Blast) થયો હોવાનું સામે આવ્યું છે. એવી આશંકા છે કે તેમના ઘર પર ગ્રેનેડ ફેંકવામાં (Grenade Attack) આવ્યો છે, જોકે પોલીસ હજુ પણ તેની તપાસ કરી રહી છે. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

    જ્યારે CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે આરોપી ઈ-રિક્ષામાંથી નીચે ઉતર્યો, તેણે હેન્ડ ગ્રેનેડનો લીવર કાઢ્યો અને મનોરંજનના ઘરની અંદર ફેંકી દીધો. જે બાદ એક મોટો ધડાકો થયો હતો. વિસ્ફોટથી પૂર્વ મંત્રીના ઘરને ઘણું નુકસાન થયું છે.

    જલંધર પોલીસ કમિશનર ધનપ્રીત કૌરે જણાવ્યું કે, “રાત્રે લગભગ 1 વાગ્યે અમને અહીં વિસ્ફોટની માહિતી મળી, ત્યારબાદ અમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી.” ભાજપના નેતા મનોરંજન કાલિયાએ કહ્યું કે તેમણે ધમાકાનો અવાજ સાંભળ્યો હતો.

    હજુ સુધી આ હુમલા પાછળ કોણ છે તે જાણી શકાયું નથી. જોકે એવી અટકળો છે કે આ હુમલા પાછળ પાકિસ્તાન કે ખાલિસ્તાનીઓનો હાથ હોઈ શકે છે. હુમલાખોરોની ઓળખ માટે તપાસ ચાલુ છે. મનોરંજન કાલિયાએ જણાવ્યું કે તેઓ પરિવાર સાથે ઘરમાં સૂતા હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો.

    જલંધર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું છે, ફોરેન્સિક ટીમ પણ તપાસમાં જોડાઈ છે. આ ઘટનાએ પંજાબમાં સુરક્ષાને લઈને સવાલો ઉભા કર્યા છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે, જ્યારે તપાસના પરિણામોની રાહ જોવાઈ રહી છે.