ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા પછી, હવે માતા સીતાના જન્મસ્થળને (birthplace of Mata Sita) ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. બિહાર સરકારે માતા સીતાના મંદિરના નિર્માણ માટે બિહારના સીતામઢીમાં (Sitamarhi Temple) 12 એકર જમીન ફાળવી છે.
મંદિરમાં માતા સીતાની ભવ્ય પ્રતિમાની સાથે, ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવાની પણ યોજના છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. મંદિરના પ્રસ્તાવિત મોડેલને શેર કરતા તેમણે તેને બિહારના લોકો માટે સૌભાગ્યની વાત ગણાવી છે.
સીતામઢીના સાંસદ દેવેશ ચંદ્ર ઠાકુરે જણાવ્યું હતું કે બિહાર સરકાર અને કેન્દ્ર સરકાર લાંબા સમયથી સીતામઢીમાં મા સીતાનું મંદિર બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. રામાયણ સંશોધન પરિષદ સીતામઢીને અયોધ્યાની જેમ તીર્થસ્થળ તરીકે માન્યતા અપાવવાનો પ્રયાસ કરી રહી છે.
પરિષદના મહાસચિવ કુમાર સુશાંતે જણાવ્યું હતું કે સીતામઢીમાં ભૂમિ આરતી શરૂ કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે, કારણ કે મા સીતા ભૂમિ સાથે સંબંધિત છે.