કેન્દ્ર સરકારે (Central Government) સાંસદોના પગાર, દૈનિક ભથ્થાં અને પેન્શનમાં વધારા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. સંસદીય બાબતોના મંત્રાલયે જારી કરેલ નોટિફિકેશન અનુસાર, આ સુધારેલ પગાર 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સભ્યોના પગાર, ભથ્થાં અને પેન્શન અધિનિયમ, 1954 હેઠળ પગાર અને પેન્શનમાં વધારો કર્યો છે.
સાંસદોનો માસિક પગાર પહેલાં 1,00,000 હતો જે વધારીને 1,24,000 પ્રતિ માસ કરવામાં આવ્યો છે. તે જ સમયે, દૈનિક ભથ્થું 2,000થી વધારીને 2,500 કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ સાંસદોનું માસિક પેન્શન પણ 25,000થી વધારીને 31,000 કરવામાં આવ્યું છે.

5 વર્ષથી વધુ સેવા માટે વધારાનું પેન્શન, જે પહેલા દર મહિને 2,000 હતું, તેને પણ વધારીને 2,500 પ્રતિ માસ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ નિર્ણય બજેટ સત્ર દરમિયાન આવ્યો છે. આ પહેલાં પગાર વધારો વર્ષ 2018માં કરવામાં આવ્યો હતો.