20 જાન્યુઆરીએ અમેરિકાના (America) નવનિર્વાચીત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) શપથ લેવા જઈ રહ્યા છે. તે પહેલાં કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલયે ટેસ્લાના (Tesla) CEO ઈલોન મસ્ક (Elon Musk) સહિત અન્ય મુખ્ય વૈશ્વિક EV કંપનીઓને નીતિગત ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે. આ બેઠક ભારતમાં ઇલેક્ટ્રિક પેસેન્જર કારના નિર્માણને પ્રોત્સાહન આપવાની યોજના અથવા તો EV પોલિસી માટે દિશા-નિર્દેશો નક્કી કરવા માટે યોજાય શકે છે.
દિશા-નિર્દેશો પર ચર્ચા-વિચારણાનો આ બીજો તબક્કો છે. જે સામાન્ય ચૂંટણીના કારણે લગભગ 8 મહિના બાદ યોજવા જઈ રહ્યો છે. માર્ચ, 2024માં અનાવરણ કરવામાં આવેલી EV પોલિસી વૈશ્વિક વાહન નિર્માતાઓને આકર્ષિત કરવા અને ઘરેલુ નિર્માણની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી છે.
આ બાબતે મહત્વપૂર્ણ નિર્ણયો અને યોગ્ય દિશા-નિર્દેશો મેળવવા માટે વિશ્વભરના EV કંપનીના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં એક નામ ટેસ્લાના માલિક અને દુનિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિ ઈલોન મસ્કનું પણ છે.