Friday, April 4, 2025
More

    દેશમાંથી ગાયબ થઈ રહ્યો છે ડાબેરી આતંકવાદ: છેલ્લાં 10 વર્ષમાં હિંસાની ઘટનાઓ 65.7% ઘટી, ગૃહ મંત્રાલયે રજૂ કર્યા આંકડા

    દેશમાં ડાબેરી આતંકવાદ (Left Wing Extremism) વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નક્સલવાદ સહિતની ડાબેરી વિચારધારાઓ વિરુદ્ધ સરકાર પગલાં લઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ષ 2026 સુધીમાં છત્તીસગઢમાંથી નક્સલવાદ સંપૂર્ણપણે નાબૂદ કરવાનું વચન પણ આપી ચૂક્યા છે. ત્યારે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી સત્તાવાર આંકડા જાહેર થયા છે. જેમાં હિંસાના બનાવોમાં ઘટાડો જોવા મળ્યો છે.

    ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આપેલ આંકડાઓ અનુસાર ડાબેરી આતંકવાદથી (LWE) પ્રભાવિત જિલ્લાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એપ્રિલ 2018 સુધીમાં LWE પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 126થી ઘટીને 90, જુલાઈ 2021 સુધીમાં 70 અને એપ્રિલ 2024 સુધીમાં 38 થઈ ગઈ છે.

    હિંસાના મામલામાં પણ ઘટાડો થયો છે. આંકડા અનુસાર છેલ્લા 10 વર્ષો દરમિયાન LWE હિંસાના બનાવો જે 2014માં 1091 હતા તે 2024માં ઘટીને 374 થયા છે, એટલે કે 65.7 ટકાનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન સામાન્ય નાગરિક અને સુરક્ષાદળના જવાનોના કુલ મૃત્યુની સંખ્યામાં પણ 52 ટકાનો ઘટાડો થયો છે. કુલ મૃત્યુ આંક 2014માં 310 હતો જે 2024માં 150 થયો છે.