Sunday, July 13, 2025
More

    ઈરાનમાંથી ભારતીય નાગરિકોને પરત લાવવા સરકારે શરૂ કર્યું ‘ઑપરેશન સિંધુ’: પ્રથમ ફ્લાઇટમાં દિલ્હી પહોંચ્યા 110 વિદ્યાર્થીઓ, 90 કાશ્મીરના

    ઇઝરાયેલના હુમલાઓ બાદ મધ્ય-પૂર્વીય દેશ ઈરાનમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે કેન્દ્ર સરકારે ‘ઑપરેશન સિંધુ’ શરૂ કર્યું છે. 

    આ ઑપરેશન હેઠળ પહેલી ફ્લાઇટમાં ઉત્તર ઈરાનમાં રહેતા કુલ 110 ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા. તેઓ 17 જૂનના રોજ જ સરહદ પાર કરીને આર્મેનિયા પહોંચ્યા હતા. જ્યાંથી તેમને વિમાન મારફતે ભારત લાવવામાં આવ્યા. આ 110માંથી 90 વિદ્યાર્થીઓ માત્ર જમ્મુ-કાશ્મીરના હતા. 

    ઉલ્લેખનીય છે કે હવાઈ હુમલાઓના કારણે ઈરાનની એરસ્પેસ બંધ કરવામાં આવી છે, પરંતુ ભારત સરકારની વિનંતી પર નાગરિકોને દેશની બહાર નીકળવા માટે એક સુરક્ષિત પેસેજ પૂરો પાડવામાં આવી રહ્યો છે. નાગરિકો અને વિદ્યાર્થીઓને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન કે અફઘાનિસ્તાન વગેરે જેવા પાડોશી દેશોમાં સરહદ પાર કરીને જાય, જ્યાંથી તેમને રેસ્ક્યુ કરવામાં આવશે. 

    ઈરાનમાં લગભગ 4000 ભારતીય નાગરિકો રહે છે, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે. તેમને પરત લાવવા માટે ભારત સરકાર સતત પ્રયાસો કરી રહી છે. દૂતાવાસ સતત નાગરિકો સાથે સંપર્કમાં છે તેમજ ઇમરજન્સી હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.