Tuesday, July 15, 2025
More

    અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનાની તપાસ માટે સરકારે રચી ઉચ્ચ સ્તરીય સમિતિ: ત્રણ મહિનામાં સોંપશે રિપોર્ટ

    અમદાવાદ ખાતે એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) દુર્ઘટનાના કારણોની તપાસ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની (High Level Multi-Disciplinary Committee) રચના કરી છે. આ સમિતિ દુર્ઘટનાના તમામ પાસાઓની વિગતવાર તપાસ કરશે અને એરલાઇન્સની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (SOPs)ની સમીક્ષા કરશે.

    આ અંગે સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી આપી હતી. જેમાં લખ્યું હતું કે, “12 જૂનના રોજ અમદાવાદથી ગેટવિક એરપોર્ટ (લંડન) જતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ના દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બહુ-શાખાકીય સમિતિની રચના કરવામાં આવી છે.”

    વધુમાં લખ્યું હતું કે, “આ સમિતિ હાલની માનક સંચાલન પ્રક્રિયાઓ (SOPs) અને આવી ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે જારી કરાયેલ માર્ગદર્શિકાઓની તપાસ કરશે અને ભવિષ્યમાં આવા કિસ્સાઓનો સામનો કરવા માટે વ્યાપક માર્ગદર્શિકા સૂચવશે.”

    સમિતિને 3 મહિનાના સમયગાળામાં તેનો અહેવાલ સોંપવા આદેશ આપ્યો છે. સમિતિમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) અને અન્ય નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ દુર્ઘટનાના કારણો, ટેકનિકલ ખામીઓ, માનવીય ભૂલો કે અન્ય પરિબળોની તપાસ કરશે.

    અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક ખાતે થયેલી આ દુર્ઘટનામાં અનેક લોકોને અસર થઈ છે. સરકારે એર ઇન્ડિયા અને અન્ય એરલાઇન્સને તેમની સુરક્ષા પ્રક્રિયાઓને વધુ મજબૂત કરવા સૂચના આપી છે.