Thursday, March 27, 2025
More

    OLA-Uberના વિકલ્પમાં સરકાર શરૂ કરશે સહકારી ટેક્સી સેવા, ડ્રાઈવર્સને મળશે સીધો-સંપૂર્ણ લાભ: ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કરી જાહેરાત

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) 26 માર્ચે સંસદમાં જાહેરાત કરી હતી કે સરકાર ટૂંક સમયમાં ટુ-વ્હીલર, ટેક્સી, રિક્ષા અને ફોર-વ્હીલર વાહનોની નોંધણીને મંજૂરી આપતી સહકારી ટેક્સી (Cooperative Taxi Service) સેવા શરૂ કરશે. જેના માધ્યમથી સીધો લાભ ડ્રાઇવરોને મળશે.

    શાહે જણાવ્યું કે “સહકાર મંત્રાલય છેલ્લા સાડા ત્રણ વર્ષથી તેનો અમલ કરવા માટે અથાક મહેનત કરી રહ્યું છે જેથી ડ્રાઇવરોને સીધો ફાયદો થાય. આ ઓલા, ઉબેર, રેપિડો વગેરે દ્વારા હાલમાં ઉપલબ્ધ ખાનગી સેવાઓથી વિપરીત છે જે દરેક રાઈડ પર 30%-40% સુધી કમિશન લે છે અને બાકીની રકમ ડ્રાઈવરને મળે છે.”

    શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીનું ‘સહકાર સે સમૃદ્ધિ’નું વિઝન માત્ર એક સૂત્ર નથી પરંતુ વાસ્તવિકતા છે. આ ઉપરાંત ગૃહમંત્રીએ ટૂંક સમયમાં એક સહકારી વીમા કંપની શરૂ કરવાની પણ વાત કરી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે એવી અપેક્ષા છે કે આ કંપની ટૂંક સમયમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી વીમા પ્રદાતા બનશે, જેનાથી સહકારી ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે.

    આ સિવાય ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં કરવામાં આવશે, કારણ કે તેના માટે ગુજરાત સરકારે જગ્યા ફાળવી આપી છે. અમિત શાહે એ પણ સ્પષ્ટતા કરી કે યુનિવર્સિટી ગુજરાતમાં સ્થાપિત થઈ રહી છે, પરંતુ તેનું કાર્યક્ષેત્ર સમગ્ર ભારત હશે.