રાજકોટમાં (Rajkot) આવેલી ગોપાલ નમકીન (Gopal Namkeen) ફેક્ટરીમાં આગ (fire in a factory) લાગી હોવાનું સામે આવ્યું છે . જાણવા મળી રહ્યું છે કે, રાજકોટની મેટોડા GIDCમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ છે. ઘટના દરમિયાન 400 શ્રમિકો કામ કરતા હોવાનું કહેવાય રહ્યું છે. જોકે, હાલ આગની ઘટનામાં અંદર કોઈ ફસાયું છે કે નહીં એ અંગે માહિતી મળી શકી નથી.
આગની ઘટનાને કારણે 1 કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે. હાલ ફાયર ફાઇટર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ફેક્ટરીમાં વેફર, ફ્રાઈમ્સ, પાપડથી લઈને તમામ પ્રકારની ફરસાણ-નમકીન વસ્તુઓનું ઉત્પાદન થતું હોવાથી મોટા પ્રમાણમાં પુઠાના બોક્સ, તેલ અને પ્લાસ્ટિકનો જથ્થો પડેલો હોય છે. આ તમામ વસ્તુઓના કારણે જ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાની સંભાવના છે. જોકે, આગ લાગ્યાના કારણ વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી શકી નથી.