Monday, April 14, 2025
More

    વિસાવદર પેટાચૂંટણી માટે ગોપાલ ઈટાલિયા AAP ઉમેદવાર, 2022માં કતારગામ બેઠક પર મળી હતી કારમી હાર

    વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે. 

    રવિવારે (23 માર્ચ) પાર્ટીએ આ બાબતની સત્તાવાર ઘોષણા કરી. 

    ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની વિસાવદર બેઠક હાલ ખાલી છે, જેની ઉપર આગામી સમયમાં ચૂંટણી યોજાઈ શકે છે. જોકે તારીખની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી.

    આ બેઠક પરથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉમેદવાર ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા. ત્યારબાદ ભાજપના હારેલા ઉમેદવાર હર્ષદ રીબડીયાએ એક અરજી દાખલ કરીને આ જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. ત્યારબાદ અન્ય બે પિટિશન પણ દાખલ કરવામાં આવી. જોકે પછીથી ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઈ ગયા. પરંતુ હાઇકોર્ટમાં કેસ ચાલતો હોવાથી પેટાચૂંટણી થઈ શકતી ન હતી. 

    આ મામલે પહેલાં એક અરજી ખેંચવામાં આવી અને ત્યારબાદ તાજેતરમાં હર્ષદ રીબડીયાએ પણ અરજી પરત લઈ લીધી. હવે એક અરજી ખેંચી લેવામાં આવે એટલે પેટાચૂંટણી યોજવાનો માર્ક મોકળો બનશે. 

    બીજી તરફ ગોપાલ ઇટાલિયાની વાત કરવામાં આવે તો તેઓ 2022ની વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને હાર ચાખી ચૂક્યા છે. તેઓ કતારગામ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર હતા, જ્યાં હાર મળી હતી. હવે વિસાવદરથી ઉમેદવારી કરશે.