Friday, December 6, 2024
More

    વિકિપીડિયાને ફટકારાઈ નોટિસ, પૂર્વગ્રહયુક્ત વલણ અંગે ઉઠાવાયા સવાલો: તાજેતરમાં ઑપઇન્ડિયાએ પ્રકાશિત કર્યું હતું ડોઝિયર, હવે સરકાર પણ એક્શનમાં

    કેન્દ્ર સરકારે ઓનલાઇન એનસાયક્લોપીડિયા હોવાનો દાવો કરતા પ્લેટફોર્મ ‘વિકિપીડિયા’ને નોટિસ ફટકારી છે અને શા માટે તેમને ઇન્ટરમીડિયેટરી નહીં પણ એક પ્રકાશક તરીકે જોવામાં ન આવે તે બાબતનો ખુલાસો માંગ્યો છે. 

    પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારે વિકિપીડિયાને મોકલેલી નોટિસમાં તેના પક્ષપાતી વલણ અંગે મળેલી ફરિયાદોનો ઉલ્લેખ કર્યો અને અમુક ખામીઓ પ્રત્યે પણ ધ્યાન દોર્યું. સરકારે સવાલ કર્યો છે કે શા માટે અમુક નિશ્ચિત જૂથ પાસે જ સંપાદકીય બાબતોનું નિયંત્રણ રહે છે અને એ પણ પૂછ્યું છે કે વિકિપીડિયાને એક ઇન્ટરમીડિયેટરી નહીં પણ પ્રકાશક તરીકે જોવામાં કેમ ન આવે?

    અહીં નોંધવું જોઈએ કે તાજેતરમાં જ ઑપઇન્ડિયાએ વિકિપીડિયાના પક્ષપાતી અને ભારત પ્રત્યે પૂર્વગ્રહયુક્ત વલણને ઉઘાડાં પાડતું એક વિસ્તૃત ડોઝિયર પ્રકાશિત કર્યું હતું.

    ઑપઇન્ડિયાના વિસ્તૃત ડોઝિયરમાં જણાવવામાં આવ્યું છે કે, કઈ રીતે વિકિપીડિયાનું માળખું જ એવું બનાવવામાં આવ્યું છે કે પોતાને ‘એડમિનિસ્ટ્રેટર’ ગણાવતા અમુક વ્યક્તિઓને અમાપ શક્તિઓ મળે છે. સમગ્ર વિશ્વમાં આવા માત્ર 435 સક્રિય એડમિનિસ્ટ્રેટર છે, જેમની પાસે ત્યાં સુધીની સત્તા છે કે તેઓ એડિટરો પર પ્રતિબંધ મૂકી શકે છે, સોર્સ બ્લેકલિસ્ટ કરી શકે છે, કોન્ટ્રિબ્યુટરોને બૅન કરી શકે છે અને આર્ટિકલોમાં કેવા એડિટ થઈ શકે તે પણ નક્કી કરી શકે છે. 

    મૂળ રૂપે અંગ્રેજીમાં પ્રકાશિત આ ડોઝિયર અહીંથી વાંચી શકાશે.