Monday, July 14, 2025
More

    ‘ધર્મસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે’: સંભલની જામા મસ્જિદની સામે બનતી પોલીસ ચોકી પર લખાયો ગીતાનો શ્લોક, જેમાં ભગવાને કહ્યું હતું- ધર્મની હાનિ થાય ત્યારે-ત્યારે હું આવું છું

    સંભલની કથિત જામા મસ્જિદની સામે બની રહેલી સત્યવ્રત પોલીસ ચોકી પર ગીતાનો શ્લોક અંકિત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ચોકીનું નિર્માણ હવે અંતિમ ચરણમાં છે. ચોકીના પ્રવેશદ્વાર પર રાજસ્થાનના સફેદ આરસ પથ્થર પર મહાભારતમાં અર્જુનના રથની આકૃતિ પણ કંડારવામાં આવી છે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ પણ જોવા મળી રહ્યા છે.

    આ રથની સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનો સાતમો શ્લોક પણ અંકિત કરવામાં આવ્યો છે. આ શ્લોક ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ધર્મ અને અધર્મનું જ્ઞાન આપતા સંભળાવ્યો હતો. જેના શબ્દો હતા – यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्॥ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्। धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे॥

    તેનો અર્થ થાય છે – ભગવાન કૃષ્ણ કહે છે, “હે ભારત, જ્યારે-જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે-ત્યારે હું મારા સ્વરૂપને રચું છું, અર્થાત સાકાર રૂપમાં પ્રગટું છું. સાધુ પુરુષોના ઉદ્ધાર માટે, પાપ કર્મ કરનારાઓના વિનાશ માટે અને ધર્મની પુનઃસ્થાપના માટે હું યુગે-યુગે આવતો રહું છું.”

    આ સાથે જ મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને ધર્મનું જ્ઞાન આપતા શ્રીકૃષ્ણનું ચિત્ર પણ સત્યવ્રત પોલીસ ચોકીની દીવાલ પર દર્શાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે, સતયુગમાં સંભલનું નામ સત્યવ્રત નગર હતું અને તે જ આધાર પર સત્યવ્રત પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ રામનવમીના પાવનપર્વ પર તેનું ઉદ્ઘાટન પણ થવા જઈ રહ્યું છે.