Wednesday, December 25, 2024
More

    જ્યૉર્જિયા મેલોની યુરોપનાં સૌથી શક્તિશાળી વ્યક્તિ: રિપોર્ટ

    વિદેશી મીડિયા સંસ્થાએ તાજેતરમાં યુરોપના સૌથી શક્તિશાળી વ્યક્તિઓની એક યાદી બહાર પાડી હતી, જેમાં ટોચનું સ્થાન ઇટલીનાં વડાંપ્રધાન જ્યૉર્જિયા મેલોનીને આપવામાં આવ્યું છે. લિસ્ટમાં કુલ 28 વ્યક્તિઓનાં નામ છે. 

    જ્યોર્જિયા મેલોની છેલ્લા એક દાયકામાં ઇટલીના ટોચના રાષ્ટ્રવાદી અને દક્ષિણપંથી નેતા તરીકે ઊભરી આવ્યાં છે અને ઑક્ટોબર, 2022થી ઇટલીનાં વડાંપ્રધાન તરીકે ફરજ બજાવે છે. તેઓ ‘બ્રધર્સ ઑફ ઇટાલી’નાં અધ્યક્ષ પણ છે, જે ઇટલીની મોટી દક્ષિણપંથી અને રાષ્ટ્રવાદી પાર્ટી તરીકે ઓળખાય છે. હાલ પાર્ટી સત્તામાં છે. 

    પોલિટિકોએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ઇટલીના અસ્થિર રાજકીય પરિદ્રશ્યમાં જ્યૉર્જિયા મેલોનીએ એક નોંધપાત્ર સ્થિરતા લાવવાનું કામ કર્યું છે અને તેના નેતૃત્વના કારણે ઇટલીને પણ એક અલગ ઓળખ મળી છે. 

    આગળ કહેવામાં આવ્યું કે, એક દક્ષિણપંથી નેતા તરીકે ઓળખાતાં મેલોનીએ પોતાને અને દેશને યુરોપિયન યુનિયનનો એક મહત્વનો હિસ્સો તરીકે સ્થાપિત કર્યાં છે અને નેશનાલિસ્ટ પ્રિન્સિપલ અને પ્રેક્ટિકલ ગવર્નન્સ વચ્ચે સુમેળ સાધીને કામ કરતાં રહ્યાં છે.