Friday, July 11, 2025
More

    ‘અમે સેફ ઝોનમાં નહીં, જ્યાં ભારતને અમારી સૌથી વધુ જરૂર છે ત્યાં કામ કરીએ છીએ…”- ગૌતમ અદાણી: કહ્યું- ઑપરેશન સિંદૂરમાં અમારા ડ્રોન્સ દેશની આંખ પણ બન્યા અને તલવાર પણ…

    અદાણી જૂથના (Adani group) ચેરમેન ગૌતમ અદાણીએ (Gautam Adani) જૂથની વાર્ષિક બેઠકમાં (AGM) ભારત સરકાર દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ ચલાવવામાં આવેલા ‘ઑપરેશન સિંદૂર’નો (Operation Sindoor) ઉલ્લેખ કર્યો હતો. અદાણીએ ભારતીય સેના અને તેના સાહસની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, “ઑપરેશન સિંદૂર દરમિયાન, આપણા બહાદુર સૈનિકોએ દુનિયાને બતાવ્યું કે તેઓ ન તો પ્રસિદ્ધિ માટે ઉભા છે કે ન તો કોઈ મેડલ માટે. તેઓ ફક્ત અને ફક્ત પોતાના કર્તવ્ય માટે ઉભા છે. ભારત શાંતિનું મહત્વ સમજે છે. પરંતુ જો કોઈ ભારતને આંખ બતાવશે, તો ભારત તેને તેની ભાષામાં જવાબ આપવાનું પણ જાણે છે.”

    અદાણીએ ઑપરેશન સિંદૂરમાં અદાણી ડીફેન્સની (Adani Defence) ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સંબોધનમાં ગૌતમ અદાણીએ કહ્યું કે, “જ્યારે અદાણી ડીફેન્સની વાત કરવામાં આવે છે, ત્યારે ઑપરેશન સિંદૂર શરૂ થયું અને અમે સફળ પુરવાર થયા. અમારા ડ્રોન આકાશમાં આંખો અને હુમલામાં તલવારો બન્યા. અમારી એન્ટી-ડ્રોન સિસ્ટમ્સે આપણા સુરક્ષાદળો અને નાગરિકોનું રક્ષણ કરવામાં મદદ કરી. જેમ હું હંમેશાથી માનતો આવ્યો છું, અમે સેફ ઝોનમાં કામ નથી કરતા, અમે ત્યાં કાર્ય કરીએ છીએ જ્યાં તેની જરૂર છે, જ્યાં ભારતને અમારી સૌથી વધુ જરૂર છે…”