Friday, May 23, 2025
More

    મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકી હેપ્પી પાસિયા USમાં પકડાયો, પંજાબમાં 14 આતંકવાદી હુમલાનો છે આરોપી, ISI સાથે પણ જોડાયેલા છે તાર: NIAએ જાહેર કર્યું હતું ₹5 લાખનું ઈનામ

    છેલ્લાં 6 મહિનામાં પંજાબમાં થયેલ આતંકવાદી હુમલાઓનું (Terrorist Attack) કાવતરું ઘડનાર ગેંગસ્ટર હેપ્પી પાસિયાને (Happy Passia) યુએસમાં ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે (ICE) અટકાયતમાં લીધો છે. હેપ્પી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનો નજીકનો સાથી રહ્યો છે અને આતંકવાદી રિન્દા અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે મળીને પંજાબમાં ઘણી આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો છે.

    FBIએ પાસિયાની ધરપકડ અંગે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને માહિતી આપી છે. જેમાં લખ્યું છે કે, “આજે, ભારતના પંજાબમાં આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર કથિત આતંકવાદી હરપ્રીત સિંઘની FBI અને EROએ સેક્રામેન્ટોમાં ધરપકડ કરી હતી. બે આંતરરાષ્ટ્રીય આતંકવાદી જૂથો સાથે જોડાયેલો, તે ગેરકાયદેસર રીતે યુ.એસ.માં પ્રવેશ્યો અને પકડથી બચવા માટે બર્નર ફોનનો ઉપયોગ કરતો હતો.”

    નોંધનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં NIA એ હરપ્રીત સિંઘ (Harpreet Singh) ઉર્ફે હેપ્પી પાસિયા પર ₹5 લાખનું ઈનામ જાહેર કર્યું હતું. હેપ્પી પસિયાએ પંજાબમાં પોલીસ મથકો પર અનેક આતંકવાદી હુમલાઓ કર્યા હતા અને સોશિયલ મીડિયા પર તેની જવાબદારી લીધી હતી. નવેમ્બર 2024 થી અમૃતસરમાં પોલીસ મથકોને નિશાન બનાવતા શ્રેણીબદ્ધ વિસ્ફોટો બાદ સુરક્ષા એજન્સીઓએ તેની શોધ શરૂ કરી હતી.

    અહેવાલ અનુસાર છેલ્લા સાત મહિનામાં પંજાબમાં 16 ગ્રેનેડ હુમલા થયા છે, જેમાં પોલીસ ચોકીઓ, ધાર્મિક સ્થળો અને ભાજપના નેતા મનોરંજન કાલિયા સહિત જાહેર હસ્તીઓના રહેઠાણોને નિશાન બનાવવામાં આવ્યા છે. આવા ઓછામાં ઓછા 14 હુમલાઓની તપાસ દરમિયાન પાસિયાનું નામ સામે આવ્યું છે.