Monday, April 7, 2025
More

    આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ સમેટાઈ: મહાસંઘે આપ્યો નોકરી પર પરત ફરવાનો આદેશ

    ગાંધીનગરમાં 17 માર્ચથી ચાલી રહેલી આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળનો આજે (7 એપ્રિલ) અંત આવ્યો છે. આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠકમાં લેવાયેલ નિર્ણય અનુસાર, મહાસંઘે તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત ફરવા આદેશ આપ્યો છે.

    નોંધનીય છે કે, આરોગ્ય કર્મચારી મહાસંઘના 33 જીલ્લા પ્રમુખોની બેઠક મળી હતી. જેમાં હડતાળ પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો હતો. દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે, “33 જિલ્લાના પ્રમુખ, મહામંત્રી અને મુખ્ય કન્વીનરની સંયુક્ત કારોબારી મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.”

    તેમના જણાવ્યા અનુસાર, હડતાળને ત્રણ મહિના માટે સ્થગિત કરવામાં આવી છે. આ સમયગાળામાં સરકાર કર્મચારીઓની માંગણીઓ અંગે નિર્ણય લેશે.જો આગામી 3 મહિનામાં સરકાર તરફથી આ માંગણીઓ અંગે કોઈ નિર્ણય નહીં આવે તો હડતાળ ફરીથી શરૂ કરવામાં આવશે.

    મહાસંઘે તમામ કર્મચારીઓને ઓફિસ સમય દરમિયાન પોતાની કચેરીમાં ફરજિયાત હાજર થવા આદેશ આપ્યો છે. હાજરી રિપોર્ટ સંબંધિત અધિકારીઓને આપવાનો રહેશે. આ આદેશનું પાલન ન કરનાર કર્મચારીઓની જવાબદારી મહાસંઘ લેશે નહીં.