કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા મામલે પકડાયેલા ચાર આરોપીઓને ત્યાંની સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. આરોપીઓમાં કરણ બ્રાર, અમનદીપ સિંઘ, કમલપ્રીત સિંઘ અને કરણપ્રીત સિંઘનો સમાવેશ થાય છે. તમામ મૂળ ભારતીય છે.
ગુરુવારે (9 જાન્યુઆરી) આ બાબતની જાણકારી સામે આવી. હવે આગામી 11 ફેબ્રુઆરીના રોજ આગળ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે.
જામીન પાછળ પુરાવાનો અભાવ કારણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેનેડાની પોલીસ આરોપીઓ વિરુદ્ધ ઠોસ અને નક્કર પુરાવાઓ રજૂ કરી શકી ન હતી અને સતત વિલંબ કરવામાં આવી રહ્યો હતો. પ્રાથમિક સુનાવણીઓમાં પોલીસ પુરાવા રજૂ કરી શકી ન હતી.
ઉલ્લેખનીય છે કે જૂન, 2023માં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની કેનેડામાં હત્યા કરી નાખવામાં આવી હતી. જેનો આરોપ ત્યાંના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર લગાવ્યો હતો. બીજી તરફ, ભારત સતત પુરાવા માંગતું રહ્યું, પરંતુ કોઈ પુરાવા આપવામાં ન આવ્યા. મે, 2024માં કેનેડાની પોલીસે ચાર ભારતીયોની નિજ્જરની હત્યા કરવા મામલે ધરપકડ કરી હતી, પરંતુ તેમને પણ જામીન મળી ગયા છે.