Sunday, March 23, 2025
More

    દિલ્હી હાઇકોર્ટમાંથી આગોતરા જામીન ન મળતાં પૂર્વ ટ્રેની આઈએએસ પૂજા ખેડકર સુપ્રીમ શરણે, ધરપકડ પર ફરી લાગી ગઈ રોક

    ડોક્યુમેન્ટ્સમાં ગડબડ-ગોટાળા કરીને નોકરી મેળવવાના આરોપસર કાર્યવાહીનો સામનો કરતાં પૂર્વ ટ્રેની IAS ઑફિસર પૂજા ખેડકર (Puja Khedkar) સામે કોઈ કઠોર પગલાં ભરવા સામે સુપ્રીમ કોર્ટે (Supreme Court) રોક લગાવી છે. દિલ્હી હાઇકોર્ટે પૂજા ખેડકરની આગોતરા જામીનની માંગ કરતી અરજી ફગાવીને વચગાળાની રાહત આપતો આદેશ પાન પરત લઈ લીધો હતો, ત્યારબાદ પૂજાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. 

    સુપ્રીમ કોર્ટે 15 જાન્યુઆરીના રોજ પૂજા ખેડકરની અરજી પર સુનાવણી હાથ ધરી. જ્યાં દિલ્હી સરકારને નોટિસ આપવામાં આવી. 

    મામલાની સુનાવણી આગામી 14 ફેબ્રુઆરીના રોજ મુકરર કરવામાં આવી છે. ત્યાં સુધીમાં પૂજા ખેડકર વિરુદ્ધ કોઈ કડક પગલાં ભરવામાં ન આવે તેવું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. અર્થાત્, હાલ તેમની ધરપકડ કરી શકાશે નહીં. 

    ઉલ્લેખનીય છે કે પૂજા ખેડકરનો મામલો ગત ઑગસ્ટમાં સામે આવ્યો હતો. તેમની વિરુદ્ધ ડિસેબિલિટી સર્ટિફિકેટમાં ગોટાળા કરીને નોકરી મેળવવાનો આરોપ છે. પછીથી તેમને IASમાંથી બરતરફ કરવામાં આવ્યાં હતાં અને UPSCએ દિલ્હી પોલીસમાં એક ફરિયાદ પણ નોંધાવી હતી, જેના આધારે પોલીસે કેસ દાખલ કર્યો હતો. 

    બીજી તરફ, પૂજા ખેડકરે આગોતરા જામીનની માંગ સાથે દિલ્હી હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. તાજેતરમાં જ હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી.