રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મોટી જવાબદારી મળી છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વિતીય પ્રિન્સિપાલ સેક્રેટરી નીમવામાં આવ્યા છે. શનિવારે (22 ફેબ્રુઆરી) આ બાબતની સત્તાવાર ઘોષણા કરવામાં આવી.
નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું કે શક્તિકાંત દાસનો કાર્યકાળ વડાપ્રધાનના કાર્યકાળ જેટલો અથવા આગામી આદેશ, બેમાંથી જે પ્રથમ હોય, સુધીનો રહેશે.
Former RBI Governor Shaktikanta Das, appointed as Principal Secretary-2 to Prime Minister Narendra Modi. pic.twitter.com/uUWt7SfLjj
— ANI (@ANI) February 22, 2025
ઉલ્લેખનીય છે કે હાલ પ્રમોદ કુમાર મિશ્રા વડાપ્રધાનના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા છે. હવે શક્તિકાંત દાસ પણ આ પદ પર હશે, એટલે બે સચિવો વડાપ્રધાન સાથે કામ કરશે.
પ્રધાન સચિવ વડાપ્રદ્યાન કાર્યાલયના વહીવટી વડા હોય છે. મોટેભાગે નિવૃત્ત IAS કે IFSને આ પદ પર નીમવામાં આવે છે. વર્ષ 2019થી પ્રિન્સિપાલ સેક્રેટરીને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમનું મુખ્ય કાર્ય આંતરિક અને વિદેશી નીતિગત બાબતો પર વડાપ્રધાનને સલાહ આપવાનું, વડાપ્રધાનને ફાળવવામાં આવેલાં ખાતાં અને વિભાગોનાન કામ જોવાનું અને પીએમઓના સંચાલન પર વડાપ્રધાન વતી દેખરેખ રાખવાનું હોય છે.
આ પહેલાં નૃપેન્દ્ર મિશ્રા વડાપ્રધાનના પ્રિન્સિપાલ સેક્રેટરી રહ્યા હતા, જેમણે 2014થી 2019 સુધી આ પદ સંભાળ્યું. તેઓ પીએમના અત્યંત વિશ્વાસુ અધિકારીઓ પૈકીના એક હતા. હાલ તેઓ રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના ચેરમેન છે.
શક્તિકાંત દાસની વાત કરવામાં આવે તો તેઓ 1980ના બેચના તમિલનાડુ કેડરના IAS અધિકારી છે. ડિસેમ્બર, 2018માં તેઓ રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર બન્યા હતા. 2024માં તેઓ સેવાનિવૃત્ત થયા. છ વર્ષના કાર્યકાળમાં તેમણે બેંકિંગ ક્ષેત્રે નોંધપાત્ર કામ કર્યું અને ખાસ કરીને કોરોના મહામારીના સમયમાં નાણાકીય બાબતોના સંચાલનમાં મોટો ભાગ ભજવ્યો હતો.