આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી ચૂકેલા કૈલાશ ગેહલોત (Kailash Gahlot) હવે ભાજપમાં (BJP) સામેલ થઈ ગયા છે. સોમવારે (18 નવેમ્બર) તેમણે ભાજપ હેડક્વાર્ટર ખાતે ભાજપની સભ્યતા લીધી છે. તેમણે ભાજપ નેતા મનોહર લાલ ખટ્ટર, દુષ્યંત ગૌતમ અને હર્ષ મલ્હોત્રાનો ઉપસ્થિતિમાં ભગવો ખેસ ધારણ કરી લીધો છે.
ભાજપમાં સામેલ થયા બાદ ગેહલોતે કહ્યું છે કે, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવું સરળ નહોતું. ઉપરાંત તેમણે જણાવ્યું કે, આ નિર્ણય તેમણે માત્ર એક રાત્રિમાં લીધો હતો. તેમણે વધુમાં કહ્યું કે, “જે લોકો તે નેરેટિવ બનાવી રહ્યા છે કે, મેં કોઈના દબાણમાં આવીને આ નિર્ણય લીધો છે, તો તે ખોટું છે. મેં આજ સુધી કોઈના દબાણમાં આવીને કોઈ કામ નથી કર્યું.”
તેમણે વધુમાં કહ્યું કે, “જે લોકો એવો નેરેટિવ બનાવી રહ્યા છે કે, મેં ED અને CBIના દબાણમાં આવીને આમ આદમી પાર્ટી છોડી છે તો તે ખોટું છે. મારો ધ્યેય માત્ર લોકોની સેવા કરવાનો છે. વકીલાત છોડીને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો.”