Sunday, July 13, 2025
More

    અમદાવાદ પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, ભગવાન તેમની આત્માને શાંતિ આપે – કેન્દ્રીય મંત્રી સીઆર પાટિલ

    અમદાવાદ પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના (BJP) વરિષ્ઠ નેતા વિજય રૂપાણીનું (Vijay Rupani) નિધન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, તેઓ આ જ ફ્લાઇટમાં બેસીને પોતાના પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓ પણ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ બનાવની પુષ્ટિ કરી છે અને સ્વર્ગસ્થ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

    સીઆર પાટીલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે, “અમારા નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ જ ફ્લાઇટમાં પોતાના પરિવારને મળવા માટે જઈ રહ્યા હતા. તેઓ પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. ભાજપ પરિવારને ખૂબ મોટી ખોટ પડી છે. વિમાન દુર્ઘટના ખૂબ ભયાનક હોય છે. ગુજરાતના લોકોએ આટલી મોટી દુર્ઘટનાની ક્યારેય કલ્પના પણ નહોતી કરી.”

    તેમણે એવું પણ કહ્યું છે કે, “શહેરની મધ્યમાં ઘટના બની હોવા છતાં આપણે કશું ન કરી શક્યા એ વાતનું દુઃખ છે. ભગવાન તમામ દિવંગત આત્માઓને શાંતિ આપે એવી પ્રાર્થના છે. તેમના સ્વજનો પર આવી પડેલી મુસીબતને સહન કરવાની ભગવાન હિંમત આપે એવી પણ હું પ્રાર્થના કરું છું.” વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહ પણ ગુજરાત આવવા માટે રવાના થઈ ચૂક્યા છે.