Wednesday, June 25, 2025
More

    ‘આમાં અમેરિકાની નહોતી કોઈ ભૂમિકા, પાકિસ્તાન તરફથી નહોતો કોઈ પરમાણુ સંકેત’: વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સંસદીય પેનલને ઑપરેશન સિંદૂર વિશે માહિતી આપી

    ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરી (Vikram Misri) સોમવાર, 19 મેના રોજ સંસદીય પેનલને (Parliamentary panel) મળ્યા અને તેમને ઑપરેશન સિંદૂર (Operation Sindoor) માહિતી આપી હતી. અહેવાલ મુજબ, વિદેશ સચિવે પેનલને ઓપરેશન સિંદૂર અને તેનાથી સંબંધિત તથ્યો વિશે માહિતી આપી.

    મિસરીએ પેનલને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો કરાર બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સ્તરે થયો હતો અને તેમાં અમેરિકા કે અન્ય કોઈ દેશની કોઈ ભૂમિકા નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) વારંવારના દાવાઓ પર કેટલાક કાયદા ઘડનારાઓએ સવાલ ઉઠાવ્યા બાદ મિસરીએ દ્વિપક્ષીય કરાર અંગે સ્પષ્ટતા કરી હતી.

    મિસરીએ એ પણ સ્પષ્ટતા કરી કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો લશ્કરી સંઘર્ષ પરંપરાગત યુદ્ધની વ્યાખ્યામાં રહ્યો છે અને પાકિસ્તાન તરફથી ક્યારેય કોઈ પરમાણુ સંકેત કે પ્રદર્શન આપવામાં આવ્યો નહોતો.

    પાકિસ્તાન દ્વારા ચીની મૂળના લશ્કરી હાર્ડવેરનો ઉપયોગ કરવાના પ્રશ્ન પર, મિસરીએ કહ્યું, “તેઓએ શું વાપર્યું તેનાથી કોઈ ફરક પડતો નથી. મહત્વનું એ છે કે અમે તેમના એરબેઝ પર ભારે હાથે હુમલો કર્યો.” વિક્રમ મિસરીએ રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને ભારતે વિમાન ગુમાવ્યું હોવાના પાકિસ્તાનના દાવા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.