Sunday, March 23, 2025
More

    ‘હવે POK બાકી રહ્યું છે, પરત લઈ લઈએ એટલે કાશ્મીર મુદ્દો સોલ્વ’: પાકિસ્તાની પત્રકારના પ્રશ્ન પર વિદેશ મંત્રી એસ જયશંકરે આપ્યો એવો જવાબ, જેની થઈ રહી છે ચર્ચા

    વિદેશ મંત્રી એસ જયશંકરને તાજેતરમાં એક કાર્યક્રમમાં એક પાકિસ્તાની પત્રકારે કાશ્મીર મુદ્દે પ્રશ્ન કરીને ઘેરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ વિદેશ મંત્રીએ એવો જવાબ આપ્યો કે પ્રશ્ન કરતાં જવાબની ચર્ચા વધુ થઈ રહી છે. 

    લંડનમાં એક થિંક ટેન્કના કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ જયશંકર પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા તે સમયે પાકિસ્તાની પત્રકારે ભારત પર કાશ્મીર પર કબજો કરવાનો આરોપ લગાવી દીધો અને સાથે કહ્યું કે, 70 લાખ કાશ્મીરીઓને નિયંત્રિત કરવા માટે ભારતે દસ લાખનું સૈન્ય ઉતારી રાખ્યું છે. આગળ પ્રશ્ન કર્યો કે શું વડાપ્રધાન મોદી કાશ્મીર મુદ્દો ઉકેલવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની મદદ લેશે કે કેમ. 

    જવાબમાં વિદેશ મંત્રી જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કોઈ પણ તૃતીય પક્ષના હસ્તક્ષેપની સંભાવનાઓ નકારી દીધી હતી અને કહ્યું કે કાશ્મીર ભારતનો જ ભાગ છે અને ભારત જ તેનો ઉકેલ લાવશે. ત્યારબાદ તેમણે આગળ વધાર્યું. 

    “કાશ્મીર પર મને લાગે છે કે અમે મોટેભાગની સમસ્યા ઉકેલી દીધી છે. આર્ટિકલ 370 પહેલું પગલું હતું. ત્યારબાદ વિકાસ અને આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવું એ બીજું પગલું હતું. ચૂંટણી યોજવી અને તેમાં પણ મતદારોની સારી એવી ભાગીદારી હોવી એ ત્રીજું હતું. હવે અમે રાહ જોઈ રહ્યા છીએ કે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં જે ભાગ છે, તે પરત લઈ લેવામાં આવે. એ થઈ જાય એટલે હું તમને ખાતરી આપું છું કે કાશ્મીર મુદ્દો સંપૂર્ણ રીતે ઉકેલાય જશે.”

    વાસ્તવમાં પત્રકારે પૂછતી વખતે જ કહ્યું હતું કે પ્રશ્ન ભારતીય વિદેશ મંત્રીને ‘નર્વસ’ કરી શકે છે, પણ જવાબ પૂરો થતાં સુધીમાં પત્રકાર અને પાકિસ્તાનને જ નર્વસનેસ જેવું લાગવા માંડ્યું હતું.