Monday, April 7, 2025
More

    ’45 દિવસ, 65 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અને કોઈપણ ન રહ્યું ભૂખ્યું’: Harvard Universityમાં ભણાવાશે પ્રયાગરાજ મહાકુંભનું ફૂડ મેનેજમેન્ટ, યુનિવર્સિટીની ટીમ બનાવી રહી છે રિપોર્ટ

    પ્રયાગરાજ મહાકુંભ 2025નું આયોજન એટલું વિશાળ અને મહત્વપૂર્ણ હતું કે, વિશ્વભરમાં તેની નોંધ લેવામાં આવી રહી છે. વિશ્વની પ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીમાં (Harvard University) મહાકુંભનું સફળ ફૂડ મેનેજમેન્ટ (Mahakumbh Food Management) અભ્યાસક્રમ તરીકે MBAના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. હાર્વર્ડ યુનિવર્સિટી તરફથી મહાકુંભઆ ફૂડ મેનેજમેન્ટ પર કેસ સ્ટડી કરવામાં આવી રહી છે.

    તે સિવાય દેશની IIT અને IIM સહિત અન્ય શિક્ષણ સંસ્થાનો પણ મહાકુંભ મેનેજમેન્ટ પર અલગ-અલગ વિષયોની કેસ સ્ટડી તૈયાર કરીને પોતાના અભ્યાસક્રમમાં સામેલ કરવાની તૈયારી કરી રહી છે. નગર વિકાસ વિભાગના મુખ્ય સચિવ અમૃત અભિજાતની અધ્યક્ષતામાં 1 એપ્રિલે બેઠક યોજાઈ હતી. જેમાં મહાકુંભ પર સ્ટડી કરી રહેલી શિક્ષણ સંસ્થાઓએ પોતાનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કર્યો હતો.

    હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે, તેઓ ફૂડ મેનેજમેન્ટ કેસ સ્ટડી તૈયાર કરી રહ્યા છે. જેમાં જણાવાશે કે, કઈ રીતે 45 દિવસમાં મહાકુંભમાં દેશ અને દુનિયાના 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સામેલ થયા. પરંતુ એક પણ શ્રદ્ધાળુ એક પણ દિવસ કુંભમાં ભૂખ્યો ન સૂતો કે ન ભૂખ્યો પરત ફર્યો. સરકાર તરફથી બધા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમને એવું ન લાગે કે, નિઃશુલ્ક ભોજન છે તો તેને પ્રસાદ તરીકે આપવામાં આવ્યું હતું.

    યુનિવર્સિટીએ જણાવ્યું છે કે, તેની કેસ સ્ટડી જલ્દી જ તૈયાર થઈ જશે. તેને યુનિવર્સિટીના મેનેજમેન્ટમાં સામેલ કરવામાં આવશે અને MBAના અભ્યાસક્રમમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, જલ્દી જ MBAના અભ્યાસક્રમમાં મહાકુંભનું ફૂડ મેનેજમેન્ટ સામેલ કરાશે.