Thursday, July 10, 2025
More

    કર્ણાટકના વન્યજીવ અભ્યારણમાં પાંચ વાઘના મૃતદેહો મળ્યા, ઝેર આપ્યાની આશંકા: વન વિભાગ-સરકાર પર પ્રશ્નો, તપાસ શરૂ

    કર્ણાટકના મૈસૂરમાં એક વાઘ અને તેનાં ચાર બચ્ચાં એમ કુલ પાંચ વાઘ મૃત હાલતમાં મળી આવતાં તપાસનો દોર શરૂ થયો છે. ગુરુવારે (26 જૂન) સવારે મૈસૂર સ્થિત માલે મહાદેશ્વર હિલ્સ વન્યજીવ અભયારણ્યમાં આ પાંચ વાઘના મૃતદેહો મળી આવ્યા. 

    પાંચેયનાં મોત ઝેર આપવાના કારણે થયાં હોવાનું પ્રાથમિક તારણ છે. જોકે ઓટોપ્સી રિપોર્ટ શુક્રવારે આવે ત્યારબાદ જ ચોક્કસ માહિતી મળી શકશે. 

    થોડા દિવસ પહેલાં જ વાઘે એક ગાયનો શિકાર કર્યો હતો અને તેનું થોડું માંસ ખાધું હતું. આશંકા છે કે કોઈકે બાકીના માંસમાં ઝેર ભેળવીને જેમનું તેમ રહેવા દીધું હતું અને ત્યારબાદ વાઘ અને તેનાં બચ્ચાંએ એ જ માંસ ખાતાં આડઅસર થઈ અને મૃત્યુ થઈ ગયું. 

    ઘટનાની નોંધ કર્ણાટકના પર્યાવરણ મંત્રીએ પણ લીધી છે. તેમણે પુષ્ટિ કરતાં કહ્યું કે, વાઘનાં મૃત્યુ કુદરતી રીતે થયાં નથી અને તેની પાછળ જે કોઈ પણ જવાબદાર હશે તેમને બક્ષવામાં નહીં આવે. મામલાની તપાસ મુખ્ય પ્રધાન વન સંરક્ષક દ્વારા કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. 

    બીજી તરફ, ઘટનાને લઈને એક્ટિવિસ્ટોએ સરકાર અને વન વિભાગ પર પ્રશ્નો કર્યા છે. તેઓ પૂછી રહ્યા છે કે વન સંરક્ષક અને તેમનો સ્ટાફ શું કરી રહ્યા હતા? અમુક વન સંરક્ષકોને ઘણા સમયથી પગાર ન મળ્યો હોવાના આરોપ પણ લાગ્યા છે.